રાજકોટના આગકાંડ બાદ સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. VNSGUએ તમામ સંલગ્ન કોલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે કે જે કોલેજ પાસે ફાયર NOC નહીં હોય તેનું યુનિવર્સિટી સાથે જોડાણ રદ થશે.
રાજકોટમાં અગ્નિકાંડને પગલે હવે રાજ્યમાં તંત્ર સફાળું જાગી ગયું છે. ત્યારે જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે અને ફાયર સેફટી અને ફાયર NOC ન હોય એવા ઘણા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફાયર સેફટી અને NOCને લઈને VNSGU દ્વારા તેની સાથે સંલગ્ન કોલેજોને આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, VNSGU સંલગ્ન કોલેજો પાસે ફાયર સેફટી અને NOC હોવી જરૂરી છે. જે કોલેજોમાં ફાયર સેફટી અને NOC નહીં હોય, એ કોલેજોનું VNSGU સાથે જોડાણ કરવાની રદ કરવાની ચીમકી આપવામાં આવી છે.
- Advertisement -
VNSGUએ તમામ સંલગ્ન કોલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે કે VNSGU સંલગ્ન કોલેજો પાસે ફાયર સેફટી અને NOC હોવી જરૂરી છે. જે કોલેજોમાં ફાયર સેફટી અને NOC ન હોય તો તેનું VNSGU સાથે જોડાણ કરવાની રદ કરવાની ચીમકી આપી છે. યુનિવર્સિટીની તપાસમાં ફાયર સેફટી અને NOC અંગે કોઈપણ ક્ષતિ જણાશે, તો યુનિવર્સિટી દ્વારા કોલેજોનું જોડાણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
VNSGUના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોર ચાવડાએ આ અંગે જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડ પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન 300 કોલેજોને ફાયર સેફટી અને NOC ની માહિતી આપવા અંગે પરિપત્ર જારી કર્યો છે. એ માહિતીને આધારે જે કોલેજો પાસે ફાયર સેફટીની NOC નહીં હોય, તે કોલેજોને અત્યારના શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ કાર્યવાહીથી તેમને દૂર રાખવામાં આવશે. આવેલી માહિતીના આધારે અમારી ટેકનીકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, એના આધારે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકારે તમામ કોલેજોને પરિપત્ર જારી કરી દીધા છે કે જે કોલેજો ફાયર સેફટીની NOC લેવામાં નિષ્ફળ જાય, રાજ્ય સરકાર જ એ કોલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ કરી નાંખશે.
VNSGU સંલગ્ન સરકારી કોલેજોમાં ફાયર સેફટી NOC અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે સરકારે NOC લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જો કોલેજો સાથેનું જોડાણ રદ્દ કરી દેવામાં આવ્યું તો વિદ્યાર્થીઓને આ પગલાની કોઈ અસર થશે કે કેમ એ અંગે વાઈસ ચાન્સેલરે જણાવ્યું કે જે કોલેજો પાસે બેઠક ઉપલબ્ધ હશે અથવા વધારાની બેઠકો ફાળવીને પણ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.