ગેરલાયક ઉમેદવાર ત્રણ વર્ષ માટે કોઈપણ સરકારી પરીક્ષા આપી નહીં શકે
કડક વ્યવસ્થા વચ્ચે 24 એપ્રિલે બિન સચિવાલયની પરીક્ષા લેવાશે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાંક સમયથી સરકારી ભરતીઓની પરીક્ષામાં પેપર ફૂટવાની અને ગેરરીતિ આચરવાની ઘટનાઓ વારંવાર વધી રહી છે. આવી ઘટનાઓના કારણે વર્ષોથી મહેનત કરતાં વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર થઈ જતા હોય છે. ઘણીવાર આત્મવિશ્વાસ પણ ઘટી જતો હોય છે. ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર ઉમેદવાર ત્રણ વર્ષ સુધી કોઈપણ સરકારી પરીક્ષામાં અરજી કરી શકશે નહીં. આવા ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક ગણવામાં આવશે.
રવિવારના રોજ એટલે કે 24 એપ્રિલે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાવાની છે. જે મુજબ હવે પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવાર ત્રણ વર્ષ માટે તમામ સરકારી ભરતીમાં ગેરલાયક ઠરશે. તેમજ ઉમેદવાર સામે ફોજદારી પગલાઓ પણ લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ઉપર મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ ડિવાઈસ પર પ્રતિબંધ મુકાયો છે.
- Advertisement -
આ તકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને અપીલ કરી છે કે અસામાજિક કે લેભાગુ તત્વોથી દૂર રહેવું. નોકરીની લાલચમાં ફસાઈને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન કરવો. સાવચેત અને જાગૃત નાગરિક બનીને પોલીસ ફરિયાદ કરીને તંત્રનું ધ્યાન દોરવું. આ માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે 2019માં બિન સચિવાલયનું પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ વખતે 10.45 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે.