હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા દરેક વ્યક્તિ માટે અષાઢી બીજ એટલે આસ્થાનું પ્રતિક. અષાઢી બીજ એ ઉત્સવ સ્વરૂપે ઉજવાય છે. હિન્દુ ધર્મમાં તહેવારોનું સવિશેષ મહત્વ રહેલું છે અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય છે.આ દિવસ કચ્છ પ્રદેશના વરસાદની શરૂઆત સાથે સંકળાયેલ છે. કચ્છના લોકો આ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. અષાઢ મહિનો વર્ષારાણીના આગમનનો મહિનો ગણવામાં આવે છે. ભારતમાં અષાઢીબીજના મહાપર્વે દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં રથયાત્રાનું આયોજન થાય છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં આવેલ સંત દેવીદાસ સત અમરદાસ ના પરબધામમાં વર્ષોની પરંપરા મુજબ દર અષાઢીબીજે લોકમેળાનું આયોજન થાય છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આવેલા તોરણીયા ધામ ખાતે પણ અષાઢી બીજના દિવસે ધર્મોત્સવ અને મેળો યોજાય છે. રામદેવપીરના ભક્તો ધામધૂમથી અષાઢી બીજ ઉજવે છે. આ દિવસે રામાપીર મંદિરના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. ઓરિસ્સાનું જગન્નાથપુરી એ હિન્દુ ધર્મના પવિત્ર સ્થાનોમાં એક મહત્વનું ગણાય છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં અષાઢી બીજનું વિશેષ મહત્વ જોવા મળે છે.
- Advertisement -
ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે. ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. જગન્નાથ સુભદ્રા અને બલરામની મૂર્તિઓને મોટા રથમાં બેસાડી જાહેર જનતાને દર્શનનો લાભ અપાવવા માટે નગરચર્યાએ નીકળે છે. જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથ લાકડામાંથી નવેસરથી તૈયાર કરવામાં આવે છે. આ રથની ઊંચાઇ લગભગ ૪૫ ફૂટ જેટલી હોય છે. દર વર્ષે ત્રણ રથ બનાવવા ૧૩ હજાર કયુબીક ફૂટ લાકડું વપરાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે દર વર્ષે ત્રણ રથ તૈયાર કરવામાં આવે છે. આ રથમાં પૈડાથી લઇને શિખરના ધ્વજદંડ સુધી ૩૪ અલગ-અલગ ભાગ હોય છે. ત્રણેય રથના નિર્માણમાં ચાર હજાર લાકડાના હિસ્સા તૈયાર કરવામાં આવે છે તેમાં આઠ આઠ ફૂટના ૮૬૫ લાકડાના જાડા થડ એટલે કે તેર હજાર કયુબીક ફૂટ લાકડાનો વપરાશ થાય છે આ લાકડું નયાગઢ, ખુર્દા બૌદ્ધ વિસ્તારના જંગલોમાંથી એક હજાર વૃક્ષો કાપીને એકઠું કરવામાં આવે છે.
- Advertisement -
આ રથ ભાવિક ભક્તો દ્વારા ખેંચીને લઇ જવાય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે. આ રથયાત્રાને ગુંડિચા યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રહ્મપુરાણ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં રથયાત્રાનું વર્ણન જોવા મળે છે સાથોસાથ કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળી આવે છે મુઘલ કાળ દરમિયાન પણ જયપુર રાજસ્થાનના રાજા રામસિંહ પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરે છે. હિંદુ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો. રામાયણ અને મહાભારત ભગવત ગીતા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. હિંદુ ધર્મ એ ભારતનો મુખ્ય ધર્મ છે. હિન્દુત્વ એક દર્શન છે જે માણસની ભૌતિક જરૂરિયાતો ઉપરાંત તેની માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને સંતોષે છે.
ડો. પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ