હિન્દુ ધર્મમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્વ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. સંસ્કૃતિ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતાં માનવીઓએ સમાજના સભ્યો તરીકે બનાવેલી વસ્તુઓ વિકસાવેલ સર્વમાન્ય વિચારો માન્યતાઓ વગેરેનો સંગ્રહ. સંસ્કૃતિએ પ્રત્યેક સમાજની પોતાની આગવી જીવનશૈલી છે આ જીવનશૈલીમાં ધાર્મિક ઉત્સવ એક મહત્વનો ભાગ ભજવે છે.
ધર્મ એક સાર્વત્રિક સંસ્થા છે તે પ્રત્યેક સમાજમાં અસ્તિત્વ ધરાવે છે જુદા જુદા સમાજમાં ધર્મ સંસ્થાનું સ્વરૂપ અલગ અલગ જોવા મળે છે. ધર્મ એ પવિત્ર વસ્તુઓ સાથે સંકળાયેલ શ્રદ્ધા અને વિધિની પરસ્પર સંબંધિત વ્યવસ્થા છે. ધર્મ ને માન્યતા ઓ ભાવાત્મક વલણો અને ક્રિયાઓની એવી પદ્ધતિ છે કે જેના દ્વારા માનવ સમૂહ માનવ જીવનના અંતિમ ક્રિયાઓને પહોંચી વળવાનો પ્રયાસ કરે છે. ધર્મ એ આધ્યાત્મિક શક્તિ પરનો વિશ્વાસ છે.
- Advertisement -
ધર્મ કેવળ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યોની શરૂઆત ગણેશ પૂજાથી થાય છે. ભાદરવા સુદ ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી એ ગણેશજીનો જન્મદિવસ છે. વિઘ્નહર્તા ગણેશજીનું ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્દશી એમ દસ દિવસ સુધી સ્થાપન-પૂજન કરવામાં આવે છે. પુરાણોમાં ગણેશ ચતુર્થીનો ભારે મહિમા કરાયો છે. ગણેશજીની પૂજામા દૂર્વાનું ખૂબ જ મહત્વ છે દુર્વા એક પ્રકારનું ઘાસ છે. દુર્વા ગણેશજીને અતિપ્રિય છે. ગણેશ ચતુર્થી સમગ્ર ભારત દેશમાં આસ્થા સાથે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. માનવી પ્રકૃતિપ્રેમી છે તેથી શ્રદ્ધા સાથે સામાજિક જવાબદારી નો સંદેશો લઈ દરેક ઘરે માટીના ગણેશની સ્થાપના કરવામાં આવે છે. માટીના ગણેશ ઘરમાં જ વિસર્જન થઇ શકે છે અને તે માટીમાં એક વૃક્ષ વાવી ઘરને સુભાષિત બનાવી શકાય છે.
નાના બાળકોથી લઈને મોટેરાંઓ સુધી ગણેશ મહોત્સવમાં આનંદ ઉલ્લાસ જોવા મળે છે. ઢોલ નગારા સાથે બાપ્પાની સવારી નીકળે છે. શોભાયાત્રામાં ગણપતિ બાપા મોરિયા જય ગણેશ જય ગણેશ દેવા જેવા સંકીર્તનથી માનવ સમુદાય આનંદ હિલોળે ચડે છે. ગણેશજીનું પૂજન તો લાભદાયી છે જ પણ તેમની જીવનશૈલીનું અનુકરણ તો વિશેષ ફળદાયી છે. વિસર્જન પહેલાં માનવજીવનમાં ગણપતિ જેવા ગુણોનું વિશેષ સર્જન થાય તો તે વિસર્જન સાચું.
લેખન ડો. પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ
- Advertisement -



