ખાસ-ખબર ન્યૂઝ બરડા
બરડા ડુંગરના માલધારીઓની સુવિધા અને સુખાકારી માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જેનાથી અહીંના વસવાટ કરતા માલધારીઓના જીવનમાં સુધારાની આશા છે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયાએ ખંભાળા નેશ વિસ્તારની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી.
- Advertisement -
આ પ્રસંગે મંત્રીએ સ્થળ પર જ મિલકત ધરાવતા માલધારીઓની મુશ્કેલીઓની સીધી જ વાતચીત કરી હતી. માલધારીઓએ ખાસ કરીને રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને જંગલી પ્રાણીઓના હુમલાઓને લઈને સમસ્યાઓ ઉઠાવી હતી. મંત્રીએ માલધારીઓની ચિંતાઓને ગંભીરતાથી સાંભળી અને જણાવ્યું કે આ સમસ્યાઓના નિકાલ માટે સરકારે વિશેષ પ્રોજેક્ટનો ર્નિર્ણય લીધો છે.
પ્રોજેક્ટ અંતર્ગત, બરડા ડુંગરના નેશ વિસ્તારમાં રહેલા માલધારીઓને રોજગારી, આરોગ્ય, શિક્ષણ, અને રહેણાંક જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, જંગલી પ્રાણીઓ દ્વારા મોંઘા પશુધનના મારણનો વળતર મળી રહે તે માટે પણ સરકાર સંકલ્પબદ્ધ છે. માલધારીઓની સુખાકારી માટેની આ નવી પ્રસ્તાવિત વસાહત માટે આગામી બજેટમાં જોગવાઈ કરવાની ખાતરી ડો. માંડવીયાએ આપી હતી.
સરકાર દ્વારા આ દિશામાં વન વિભાગના અધિકારીઓને પ્રોજેક્ટ માટેનું આયોજન અને પ્રેઝન્ટેશન તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.મંત્રીએ સ્થાનિક વહીવટીતંત્રને પણ વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવાની સૂચના આપી છે જેથી માલધારીઓને જન્મ-મરણના દાખલા સહિતની અન્ય આવશ્યક સેવાઓ ઝડપી અને સરળતાથી મળી રહે. આ મુલાકાતમાં, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, તથા અન્ય પ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.