મોરબીમાં કવિ ડો. કુમાર વિશ્વાસની ઉપસ્થિતિમાં ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સન સીટી ગ્રાઉન્ડ ખાતે ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ‘કાવ્ય કળશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ વિખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસ તથા તેમની ટીમ કવિ અમિત શર્મા, કવિ ચેતન ચર્ચિત, કવિયત્રી સુમન દુબે, કવિ પદ્મશ્રી સુરેન્દ્ર દુબેજી તેમજ કવિ જાની બૈરાગી સહિતના કવિઓએ કવિતાઓની હેલી વરસાવી મોરબીની જનતાને સાહિત્યના રસમાં તરબોળ કરી હતી. મધ્યરાત્રી સુધી ચાલેલા આ કાર્યક્રમમાં લોકો ઉઠીને જવાની હિંમત કરી શક્યા ન હતા. કવિઓએ કવિતાની સુરાવલી સાથે દેશની વર્તમાન સ્થિતિ અને રાજકીય કાવાદાવાઓ પર હળવી શૈલીમાં કટાક્ષ કર્યો હતો. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય સામાજીક અગ્રણીઓ, સિરામિક ઉદ્યોગપતિઓ અને મોરબી શહેરના સાહિત્યપ્રેમી નાગરિકો હજારોની સંખ્યામાં જોડાયા હતા.