તંત્રે હાલ ખાડાને તો પૂરી દીધા પરંતુ ભ્રષ્ટાચાર થયો તેનું શું ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ધ્રાંગધ્રા શહેરના ગુરુકુળ ગેઇટથી ડી.સી.ડબલ્યુ સર્કલ સુધીના ગૌરવ સમા “ગૌરવપથ” રોડ પર છેલ્લા ચારેક વર્ષથી મસમોટા ખાડાના લીધે શહેરીજનોને આ રોડ પરથી નીકળવું મુશ્કેલ બન્યું હતું જેને લઈ રાહદારીઓ દ્વારા સ્થાનિક તંત્રથી લઈને છેક સાંસદ સભ્ય સુધી રજૂઆત કરી હતી જેથી અનેક રજૂઆતો બાદ અંતે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ ગૌરવપથ રોડનું નિર્માણ કામ શરૂ થયું તેના એક મહિના બાદ પ્રથમ ચોમાસે જ રોડમાં ભ્રષ્ટાચારી ખાડા સામે આવ્યા હતા. જ્યારે આ અંગે “ખાસ ખબર” દ્વારા તારીખ 9 સપ્ટેમ્બરના રોજ અહેવાલ પણ પ્રસિધ્ધ કરાયો હતો જે અહેવાલને લઈ તંત્ર સફાળી જાગ્યું હતું અને તત્કાલિક કામગીરી હાથ ધરી ખાડા પર સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ તંત્ર દ્વારા ભ્રષ્ટાચારી ખાડા પર ડામરની ચાદર ચડાવી છુપાવવાનું કામ તો થઈ ગયું પરંતુ આગામી સમયમાં આખા ભ્રષ્ટાચારી રોડ પર અન્ય ખાડાઓ પડશે અને સ્થાનિક રાહદારીઓની હાલત પહેલાની માફક બની જશે તેનું શું ? હજુ તો એક મહિના પૂર્વે નિર્માણ થયેલ રોડની પ્રથમ ચોમાસે જ આ હાલત થઈ તો આવનારા દિવસોમાં સ્થાનિક પ્રજાની હાલત કેવી થશે તેની કલ્પના અહીં થઈ શકે તેમ છે તેવામાં ભ્રષ્ટાચાર આચરેલા ગૌરવપથ રોડ પર આગામી સમયમાં કેવી સ્થિતિ ઉદભવ થશે તેના સ્પષ્ટ એંધાણ વર્તમાન સમયમાં નજરે પડી રહ્યા છે.