ખાસ-ખબર સંવાદદાતા
સિવિલ હોસ્પિટલ ખાતે જુનિયર ડોક્ટરોની હડતાળને આઠ દિવસ થઇ ચૂક્યા હોવા છતાં હજુ પણ મડાગાંઠ યથાવત છે. જેના કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત શાખા તેમજ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન પણ જુનિયર મેડિકલ ડોક્ટરોની હડતાળના સમર્થનમાં આગળ આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ હોસ્પિટલમાં બુધવારે 24 કલાક દરમિયાન 100 જ્યારે ગુરુવારે સવારથી સાંજમાં કુલ 37 સર્જરી થઇ હતી.
આમ, છેલ્લા આઠ દિવસથી સર્જરી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. ઈમરજન્સી સર્જરી હોય તો તેના માટે પણ 12 કલાકનું વેઇટિંગ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત ઓપીડીમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ લાંબી લાઇન જોવા મળી રહી છે. સર્જરી પર ઓછો કાપ મૂકવો પડે તેના માટે વધુ 15 એનેસ્થેટેટિસ્ટની માગ કરવામાં આવી છે.