મેઇન રોડથી હાઇવે સુધી ગેરકાયદે દબાણોને કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય!
નગરપાલિકા તંત્રના મૌનને કારણે લારી-ગલ્લા અને કાચા-પાકા દબાણોથી લોકોને હાલાકી: તાત્કાલિક કાર્યવાહીની લોક માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
હળવદ શહેરમાં મેઇન રોડ, સોસાયટી વિસ્તારો અને હાઇવે માર્ગો પર ગેરકાયદેસરના દબાણોનો રાફડો દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે ગંભીર અકસ્માતોની સંભાવનાઓ પણ પ્રબળ બની છે. તંત્રના મૌનને કારણે દબાણકારો દ્વારા બેફામ રીતે કાચા-પાકા દબાણો, લારી, ગલ્લા અને કેબિનો મૂકીને જાહેર માર્ગો સંકડા કરી દેવામાં આવ્યા છે.
ખાસ કરીને, હાઇવે માર્ગ પર રોડની બંને સાઈડમાં અને મેઈન રોડ પર દુકાન માલિકોએ પોતાની દુકાન કરતાં પણ વધુ જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યું છે. આ અનિયંત્રિત દબાણને કારણે વાહનોની અવરજવર ખોરવાય છે અને અકસ્માતની શક્યતાઓ વધી જાય છે.
શહેરીજનોમાં આક્રોશ છે કે, ગેરકાયદેસર દબાણોના કારણે મોરબીથી કચ્છ તરફનો ટ્રાફિક પણ પ્રભાવિત થાય છે.
ત્યારે હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મેઇન રોડ, શેરીઓ અને હાઇવે માર્ગો પરના આ તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરીને ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે સંભવિત અકસ્માતની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.



