દુકાનની પાછળ પાર્કિંગના ભાગમાં માલ-સામાન રાખીને દબાણ
ગંદકી ફેલાવીને કરાતાં ન્યૂસન્સને કારણે બિલ્ડિંગના અન્ય વેપારીઓ પરેશાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કેટલાય કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ન્યૂસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે. આવો જ એક કિસ્સો શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા નોવાસ કોમ્પ્લેક્સનો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલા નોવાસ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં સાધના ભેળ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે એટલું જ નહીં, ગંદકી ફેલાવીને ન્યૂસન્સ પણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે નોવાસ કોમ્પ્લેક્સના એસોસિએશન દ્વારા મનપા ટાઉન પ્લાનિંગ શાખામાં અરજી પણ કરવામાં આવી છે. નોવાસ કોમ્પ્લેક્સ એસોસિએશનના 50થી વધુ શોપધારકો અને ઓફિસધારકોએ સાધના ભેળ હાઉસ વિરુદ્ધ મનપા ટાઉન પ્લાનિંગ શાખામાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, નોવાસ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાન નં. 9 સાધના ભેળના માલિક દ્વારા પાર્કિંગમાં ગેરકાયદે દુકાનનો દરવાજો બનાવવામાં આવ્યો છે. ઉપરાંત પાર્કિંગમાં અડચણરૂપ વસ્તુઓ મૂકવામાં આવે છે અને દુકાનની પાછળના ભાગમાં પાર્કિંગની જગ્યામાં પણ માલ-સામાન રાખીને દબાણ કરવામાં આવ્યું છે.
નોવા’સના પાર્કિંગમાં જ્યાં જૂઓ ત્યાં સાધના ભેળનો માલ-સામાન
રાજકોટના ગોંડલ રોડ પર નોવાસ કોમ્પ્લેક્સમાં આવેલું સાધના ભેળ હાઉસ એક જાણીતું ખાણીપીણીનું સ્થળ છે. સાધના ભેળ હાઉસ દ્વારા નોવાસ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં પાણીના જગ, હેન્ડવોસ માટેનું મશીન, ઠંડાપીણાની બોટલો, શાકભાજી, ફરસાણ સહિતનો માલ-સામાન રાખવામાં આવે છે જે નોવાસ કોમ્પ્લેક્સમાં દુકાન-ઓફિસ ધરાવતા લોકોને અડચણરૂપ બને છે અને ત્યાં આવતા મુલાલાતીઓ માટે પણ માથાનો દુ:ખાવો બને છે. અધૂરામાં પૂરું ત્યાં ભેળ ખાવા આવતા લોકો આડેધડ વાહનો પાર્ક કરે છે એટલે સાધના ભેળના ગ્રાહકોનો ત્રાસ પણ અન્ય દુકાન-ઓફિસ ધારકોને ભોગવવો પડી રહ્યો છે.