ખાડામાં બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરતા 4 એક્સકેવેટર મશીન અને 14 ડમ્પર પકડાયા
સ્થળ પર વિસ્ફોટક જથ્થો (એક્સ્પ્લોજીવ) ચાર્જ કરેલો જોવા મળતા ચકચાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદે ખનીજ ખનનનો મોટો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે સાયલા પોલીસે રેડ કરતા સ્થળ પર ખાડામાં અલગ અલગ જગ્યાએ ચાર એક્સકેવેટર મશીન બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરતા જોવા મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી અને રોડ પરથી મળીને કુલ 14 ડમ્પર (જે પૈકી 7 ભરેલા) અને 4 એક્સકેવેટર મશીન સહિત કુલ ₹5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન, ખનનવાળા ખાડાની બાજુમાં જ બીજા ખાડામાં એક્સ્પ્લોજીવ (વિસ્ફોટક)નો જથ્થો ચાર્જ કરેલો જોવા મળતા ભૂમાફિયાઓની આ પ્રવૃત્તિની ગંભીરતા સામે આવી હતી.
આ સમગ્ર મામલે ખનીજ વિભાગે આકરા પગલાં લીધા છે. લીઝધારક ખીમાભાઈ વસ્તાભાઈ પટેલ સહિત કુલ 12 શખ્સોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં સમાધાન પેટે વસૂલવાપાત્ર રકમ કુલ ₹99,67,54,434 (લગભગ ₹100 કરોડ) ભરવા બાબતે આદેશ કરાયો છે.
નોટિસમાં તમામ શખ્સોને તા. 24-12-2025 ના રોજ ખનીજ કચેરીએ હાજર રહીને જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. જો નિર્ધારિત તારીખે હાજર નહીં રહે તો એક તરફી કાર્યવાહી કરવામાં આવશે, તેમ વકીલ હિરેન મહેતાએ જણાવ્યું હતું. જિલ્લામાં મોટા પાયે થતા આ ગેરકાયદે ખનન સામે ખનીજ વિભાગના આ પગલાંથી ભૂમાફિયાઓમાં દોડધામ મચી ગઈ છે.



