આગાઉ ગૌચર જમીનને ખાનગી માલિકીના નામે ચડાવી દીધી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે આગાઉ ગૌચર જમીનને ખાનગી નામે કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં ભેચડાં રોડ પર આવેલી નર્મદા કેનાલ ટચ સોનાની લગડી માફક કિંમતી જમીનને બાજુના સર્વે નંબરના 7/12માં ચડાવી દીધી હતી.
જોકે જાગૃત નાગરિક દ્વારા આ અંગે તંત્રને ધ્યાન દોરી ગૌચર જમીનને ખાનગી નામે કરવાનું કૌભાંડ ઉજાગર કર્યું હતું જે બાદ ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા સર્વે નંબર 362માંથી ગૌચર જમીન હટાવી હતી. જોકે આ ગૌચર જમીન માત્ર સરકારી કાગળો પર જ દૂર થઈ છે જ્યારે ખરેખર સ્થળ પર હજુય ગૌચર જમીન પર ગેરકાયદેસર કબ્જો યથાવત જોવા મળે છે. હાલ કેનાલ ટચ આ ગૌચર જમીન પર વાવેતર પણ કરાયેલું છે જોકે ગૌચર જમીન હોવાથી દબાણ દૂર કરવાની કામગીરી તાલુકા પંચાયત અથવા તલાટી મંત્રી કરવા જોઈએ પરંતુ ગૌચર જમીન પર કબજો કરનાર ભૂમાફિયા રાજકીય વગ ધરાવતા હોવાથી તંત્ર પણ બધું જ જોઈ જાણીને આંખ આડા કાન કરી રહી છે ત્યારે આગાઉ ગૌચર જમીન ખાતે કરવાના કૌભાંડ બહાર પાડ્યા પછી પણ એકાદ વર્ષે કામગીરી કરનાર તંત્ર હવે ગૌચર જમીન પરનું દબાણ ક્યારે દૂર કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.



