લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો : કોઈપણ ફરિયાદ કરી શકશે: નવા કાયદા હેઠળ લવ જેહાદનો કેસ સેશન્સ કોર્ટથી નીચલી કોર્ટમાં નહીં ચાલી શકે, દરેક પ્રકારના ગુના બીનજામીનપાત્ર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
- Advertisement -
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં મંગળવારે યુપી ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રતિબંધ (સુધારા) બિલ, 2024 પસાર થઈ ગયું છે. હવે રાજ્યમાં છેતરપિંડી અથવા બળપૂર્વક કરાયેલા ધર્માંતરણના કિસ્સામાં કાયદો વધુ કડક બન્યો છે. આ કાયદા હેઠળ દોષિતોને આજીવન કેદ સુધીની આકરી સજાની જોગવાઈ છે. ગેરકાયદે ધર્માંતરણની ગંભીર ઘટનાઓ રોકવા યોગી સરકારે કાયદાનો દાયરો અને સજાની જોગવાઈ વધારી છે. યોગી સરકારે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આ બલિ રજૂ કર્યું હતું. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ગૃહ બાબતોના મંત્રી સુરેશ ખન્નાએ આ બિલ રજૂ કર્યું હતું. નવા કાયદામાં ગેરકાયદે ધર્માંતરણ માટે ફન્ડિંગને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. નવા કાયદા મુજબ ઉત્તર પ્રદેશમાં રહેતી કોઈપણ મહિલાને પોતાની જાળમાં ફસાવીને ધર્માંકરણ કરાવી શોષણની ઘટના એટલે કે ’લવ જેહાદ’ના દોષિતોને પહેલી જ વખતમાં આજીવન કેદ સુધીની સજા થશે. આ કાયદામાં અનેક ગુનાઓની સજા વધારીને બમણી કરી દેવાઈ છે.
લવ જેહાદ હેઠળ અનેક નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે. પસાર થયેલા બિલ મુજબ હવે જો કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરાવવાના આશયથી કોઈ વ્યક્તિને તેના જીવન અથવા સંપત્તિ માટે ધમકાવે, હુમલો કરે, લગ્ન કરે અથવા લગ્નનું વચન આપે અથવા કાવતરું કરે, સગીર, મહિલા અથવા કોઈ વ્યક્તિની દાણચોરી કરે તો તેના ગૂનાને સૌથી ગંભીર શ્રેણીમાં રખાશે. નવા બિલમાં અનેક આકરી જોગવાઈઓનો સમાવેશ કરાયો છે. નવા કાયદા હેઠળ દોષિત ઠરતા 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે. વધુમાં હવે કોઈપણ વ્યક્તિ ધર્માંતરણના કેસમાં એફઆઈઆર કરાવી શકે છે. પહેલા આ પ્રકારના કિસ્સામાં માહિતી અથવા ફરિયાદ કરવા માટે પીડિત, માતા-પિતા અથવા ભાઈ-બહેનની હાજરી જરૂરી હતી. લવ જેહાદના કેસોની સુનાવણી સેશન્સ કોર્ટથી નીચેની કોર્ટમાં નહીં થઈ શકે. લવ જેહાદના કિસ્સામાં સરકારી વકીલને તક આપ્યા વિના જામીન અરજી પર વિચાર નહીં કરી શકાય. વધુમાં આ કાયદા હેઠળ દરેક પ્રકારના ગુનાને બીનજામીનપાત્ર બનાવાયા છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ પહેલો કાયદો વર્ષ 2020માં બનાવ્યો હતો. ત્યાર પછી રાજ્ય સરકારે વિધાનસભામાં ધર્મ પરિવર્તન પ્રતિબંધ બિલ 2021 પસાર કર્યું હતું. આબિલમાં 1થી 10 વર્ષ સુધીની સજા અને રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ હતી. આ બિલમાં એવી પણ જોગવાઈ હતી કે માત્ર લગ્ન માટે કરવામાં આવેલું ધર્મપરિવર્તન અમાન્ય ગણાશે.