રાજકોટ મનપાના ટીપી સ્કીમના 142 પ્લોટ પૈકી 99માં દબાણો
વેસ્ટ ઝોનનાં કુલ 6 પ્લોટમાં તો કોર્ટ કેસ ચાલી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગેરકાયદે બાંધકામો અને ભ્રષ્ટાચારનો મામલો સમગ્ર ગુજરાતમાં ઉઠ્યો હતો. તેમજ અનઅધિકૃત બાંધકામોને નોટીસો આપવાથી માંડીને ડિમોલીશન સહિતની કામગીરી કરાઈ હતી. જોકે આમ છતાં મનપાને પોતાના પ્લોટની જરાય ફીકર ન હોવાનું તાજેતરમાં આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી સામે આવ્યું છે.
આરટીઆઇમાં મળેલી જાણકારી મુજબ રાજકોટમાં જઊઠજઇં (સોશિયલી ઇકોનોમિકલી વિકર સેક્શન હાઉસિંગ-આવાસ) હેતુના મનપાનાં 99 પ્લોટમાં 10 ટકાથી માંડી 100 ટકા સુધીના દબાણો છે. જયારે વેસ્ટ ઝોનનાં કુલ 6 પ્લોટમાં તો કોર્ટ કેસ ચાલી રહ્યા છે. તો સેન્ટ્રલ ઝોનમાં અનેક પ્લોટમાં આવાસ યોજનાઓ બની હોય, આ પ્લોટ દબાણમાંથી બચ્યા છે. છતાં સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર દબાણો હટાવવા તંત્ર દ્વારા કોઈ નોંધપાત્ર કામગીરી થઇ નથી.
- Advertisement -
રાજકોટ મહાપાલિકા દ્વારા ફરી ત્રણેક દિવસથી ટીપી સ્કીમ હેઠળ માલિકીના મળેલા પ્લોટમાં દબાણો હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં અનેક દબાણો હટાવીને કરોડોની જમીન ખુલ્લી કરાઈ છે. પરંતુ રાજકોટ મનપામાં ભળ્યા અને તે પૂર્વેના કબ્જા સાથે મળેલા અનેક પ્લોટમાં વર્ષોથી દબાણ છે. કોઇ આસામીની પોતાની જગ્યામાં દબાણ હોય તો લાખ પ્રયત્નો કરીને જગ્યા ચોખ્ખી કરે છે.
ઉલ્લેખનીય છે કે, આમ મનપાની માલિકીના માત્ર આ હેતુના 142 પ્લોટ પૈકી 99 પ્લોટમાં દબાણ હોવાથી આ જગ્યાનો કોઇ હેતુ માટે ઉપયોગ થતો નથી. માત્ર આવાસ નહીં પરંતુ અન્ય જાહેર હેતુ માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. જે માટે નમુનારૂપ નહીં પરંતુ નકકર કામગીરીની જરૂર છે.
જોકે લોકો કે વિપક્ષ દ્વારા જ્યારે આ મામલે સવાલો ઉઠવાય છે ત્યારે તંત્ર દ્વારા બે-ચાર ડિમોલિશન કરી સંતોષ માની લેવામાં આવે છે. એટલું જ નહીં બુલડોઝર ફેરવી ખુલ્લા કરવામાં આવેલા પ્લોટમાં ફરી દબાણ થાય નહીં તે માટે પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
11 પ્લોટમાં તો 100 ટકા દબાણ
પૂર્વ ઝોનની વાત કરીએ તો એસઇડબલ્યુએસ હેતુના ફાઇનલ અને પ્રિલી ટીપી સ્કીમના 36 પ્લોટ રહેલા છે. ટીપી રાજકોટ અને ટીપી કોઠારીયાના પ્લોટ તેમાં સામેલ છે. જેમાં કોઠારીયાના તમામ 13 પ્લોટમાં નાના-મોટા દબાણ છે. જ્યારે 11 પ્લોટમાં તો 100 ટકા દબાણ છે. મકાન, તોડેલી ફેન્સીંગ, વોંકળામાં બાંધકામ સહિતનાં દબાણો મનપાનાં પ્લોટમાં થયા છે. એક જગ્યાએ તો સોસાયટીએ વૃક્ષારોપણ, મંદિરો, કોમર્શિયલ બાંધકામો, એક કંપનીના દબાણ, એક સાથે નાની સોસાયટી જેટલા મકાનો, ઓરડી, મફતીયાપરાના દબાણો છે.
સેન્ટ્રલ ઝોનમાં 18 પ્લોટ દબાણગ્રસ્ત
સેન્ટ્રલ ઝોનમાં ઘણા પ્લોટમાં આવાસ યોજનાઓ બની ગઇ છે. છતાં આ હેતુના 47 પૈકી 18 પ્લોટ દબાણગ્રસ્ત છે. અલગ અલગ સોસાયટીઓ બનાવવામાં આવી છે. આવાસ યોજનાના પણ નિર્માણ થયા છે. તો ઘણા પ્લોટમાં 100-100 ટકા દબાણ પણ રહેલા છે. રહેણાંક, કોમર્શિયલ, મંદિરના બાંધકામો તેમાં સામેલ છે. ઘણા પ્લોટ આવાસ યોજના વિભાગના હવાલે છે. ત્રણ ખુલ્લા પ્લોટ છે.
વેસ્ટ ઝોનના 47 પ્લોટમાં દબાણ
વેસ્ટ ઝોનમાં ન્યુ રાજકોટ સહિતના વિસ્તારમાં 59 પ્લોટ છે. જેમાંથી 47માં દબાણ છે. જેમાં 5 ટકાથી લઈ 100 ટકા સુધીના દબાણ છે. એક ઓરડીના કારણે પણ દબાણ રેકર્ડ પર છે. 6 પ્લોટમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ટીપી 1 અને 4 ઓવરલેપ થતા સાઇટ પર કબ્જો લેવાતો નથી. મંદિર, દેરી, ચબુતરો, વૃક્ષારોપણ, રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો સહિત રૈયા, નાના મવા, મવડી સહિતના વિસ્તારોમાં આ દબાણો કરવામાં આવ્યા છે.



