વોર્ડ નં.14માં ટાઉન પ્લાનિંગ અધિકારીના આશીર્વાદ, ગેરકાયદે બાંધકામ કરવાની આડકતરી મંજૂરી?
સ્થાનિક આગેવાનના પીઠબળથી કપડાંના વેપારીએ બિનઅધિકૃત બાંધકામ ખડકી દીધું હોવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજકાલ રાજકોટમાં રહેણાંક મકાનમાં રિનોવેશન કરવાના નામે જુનું રેસિડેન્સીયલ બાંધકામ પાડીને નવું કોમર્શિયલ બાંધકામ કરી દેવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. નવા કોમર્શિયલ બાંધકામમાં માર્જિનની જગ્યા તો છોડવામાં આવતી જ નથી સાથોસાથ રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનમાં રિનોવેશનના નામે પ્લાન કે મંજૂરી વિના જ બિનઅધિકૃત બાંધકામ બનાવી નાખવામાં આવે છે. આવો જ એક કિસ્સો શહેરના વોર્ડ નં.14માં બન્યો છે. કેવડાવાડી શેરી નં. 10ના ખૂણે એક કપડાંના વેપારીએ સ્થાનિક આગેવાનના પીઠબળથી બિનઅધિકૃત બાંધકામ ખડકી દીઘું છે. અલબત્ત આ અંગે તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હોય છતાં ગેરકાયદે બાંધકામને જાણે ટાઉન પ્લાનિંગ અધિકારીના આશીર્વાદ હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.
પ્રાપ્ત જાણકારી અનુસાર વોર્ડ નં.14માં આવેલા કેવડાવાડી વિસ્તારના શેરી નં. 10ના ખૂણે એક મકાન આવેલું હતું, જ્યાં હવે રાતોરાત દુકાન બની ગઈ છે. એવું કહેવાય છે કે, મકાનનું રિનોવેશન કરવાના નામે અહીં દુકાન બનાવી નાખવામાં આવી છે. આ કારસ્તાન પાછળ કપડાંના એક વેપારીનું નામ ચર્ચાઈ રહ્યું છે. કપડાંના વેપારીની એ જ રોડ પર આગળ બાજુએ પણ દુકાન આવેલી છે અને હવે તેણે અહીં પણ દુકાન બનાવી નાખી છે ત્યારે આસપાસના રહીશો મકાનની જગ્યાએ બનેલી દુકાનમાં થનારા ટ્રાફિકથી ચિંતિત હોવાનું જણાય છે. સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે, શું વોર્ડ નં.14માં ગેરકાયદે બાંધકામને તંત્ર દ્વારા આડકતરી મંજૂરી આપવામાં આવી છે કે શું?



