ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાના નિયમો મુજબ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે જે અન્વયે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મીડિયા ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત આ કમિટી બે પ્રકારની મુખ્ય કામગીરી કરી રહી છે. કમિટી દ્વારા રાજકીય પક્ષો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો/સંસ્થા/ટેકેદારો તરફથી પ્રિન્ટ મીડિયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગે (પેઈડ ન્યુઝ)ની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વિજ્ઞાપનોનું પ્રમાણીકરણ તથા પેઈડ ન્યૂઝ સંબંધી તમામ ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાની ખઈખઈ કમિટીના અધ્યક્ષ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યા, સભ્ય સચિવ તરીકે જિલ્લા માહિતી કચેરી-મોરબીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા અને સભ્ય તરીક અધિક નિવાસી કલેક્ટર એન.કે.મુછાર, નાયબ કલેક્ટર-2-મોરબી, એલ.ઈ. કોલેજના પ્રિન્સીપાલ, એન.આઈ.સી. અધિકારી-મોરબી એમ કુલ 6 સભ્યો ફરજ નિભાવી રહ્યા છે. રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો, પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુલ રેકોર્ડિંગ અને ચેનલોના સતત મોનિટરીંગની કામગીરી આ સેન્ટરમાં થઈ રહી છે.