સુરેન્દ્રનગરની ટીમે બનાવેલા 78 રન સામે રાજકોટની ટીમે 8 ઓવરમાં જ 80 રન ઝૂડી કાઢ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગરમાં છેલ્લાં 5 વર્ષથી 40+ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ વર્ષે પણ ત્રણ દિવસીય યોજાયેલી ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સુરેન્દ્રનગર અને રાજકોટની ટીમ ટકરાયા બાદ રાજકોટની આઈકે ઈલેવનની ટીમ ચેમ્પિયન બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના જી.એમ. શાહ ટર્ફ ગ્રાઉન્ડ પર તા. 25થી 27 ડિસેમ્બર દરમિયાન 40+ ટેનિસ કિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ દિવસ દરમિયાન જામનગર, અમદાવાદ, પાટડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર તથા રાજકોટની ટીમો વચ્ચે મેચો ખેલાઈ હતી.
ફાઈનલમાં રાજકોટની આઈકે ઈલેવન અને સુરેન્દ્રનગરની શ્રદ્ધા ઈલેવન વચ્ચે 10-10 ઓવરનો મેચ યોજાયો હતો. સુરેન્દ્રનગરની ટીમે 10 ઓવરમાં 8 વિકેટે 78 રન બનાવ્યા બાદ રાજકોટની ટીમના ખેલાડીઓએ મેદાનમાં ઉતરતાં વેંત જ રન મેળવવા સટાસટી બેટીંગ કરવા માંડતા માત્ર 2 વિકેટને ભોગે 8 ઓવરમાં જ 80 રન બનાવી વિજય મેળવ્યો હતો. રાજકોટની ટીમના પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જાડેજા મેન ઓફ ધ સીરીઝ જાહેર થયા હતા. એ સિવાય ઘનશ્યામસિંહ ચૌહાણ, કરીમભાઈ, વિજયભાઈ મહેતા, અજયભાઈ અલગોતર, અમિતભાઈ અલગોતર, નીલેશભાઈ, આઈકે સિલેકશનવાળા આઈ. કે. કેપ્ટન કરીમભાઈ, પ્રકાશભાઈ વિગેરે ખેલાડીઓએ ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ફાઈનલમાં વિજેતા ટીમ આઈકે ઈલેવનના ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કાર ભાજપના જગદીશ મકવાણા સહિતના અગ્રણીઓ દ્વારા અપાયા હતા. વિજેતા ટીમને 15 હજાર અને રનર્સઅપ ટીમને રૂા. 11 હજારનું રોકડ પુરસ્કાર અપાયું હતું.