ઇટાલીની સત્તાધારી પાર્ટીએ બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે
ઉલ્લંઘન કરનારાઓને 300-3,000 યુરોના દંડનો સામનો કરવો પડશે
- Advertisement -
ફ્રાન્સ પ્રથમ યુરોપિયન દેશ હતો જેણે બ્લેન્કેટ પ્રતિબંધ લાગુ કર્યો હતો
આ બિલ 8 ઓક્ટોબરે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શાળા, યુનિવર્સિટી, દુકાન, ઓફિસ અને અન્ય તમામ સાર્વજનિક જગ્યાએ ચહેરાને સંપૂર્ણ રીતે ઢાંકતા કપડા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પાર્ટીના ત્રણ સાંસદો દ્વારા આ પ્રસ્તાવનો હેતું ધાર્મિક કટ્ટરવાદ અને ધર્મ-પ્રેરિત ઘૃણાનો સામનો કરવાનું જણાવ્યું. મેલોની સરકારનો દાવો છે કે, આ પગલું ઈટાલીની સામાજિક એકજૂટતાને મજબૂત કરશે અને ‘સાંસ્કૃતિક અલગતાવાદ’ને જડમૂળમાંથી સમાપ્ત કરી દેશે.
ઈટાલીમાં પહેલાંથી જ 1975નો એક જૂનો કાયદો હતો, જેમાં જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ, તેમાં બુરખા કે નિકાબનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. મેલોનીના ગઠબંધન લીગ પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં ચહેરા ઢાંકતા કપડાં પર કાયદાકીય પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હવે બ્રધર્સ ઑફ ઈટાલીએ તેને દેશવ્યાપી સ્તરે વિસ્તારવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
શું છે બુરખો અને નિકાબ?
બુરખા એક આખું શરીર ઢાંકનારૂ વસ્ત્ર છે, જેમાં આંખો પર જાળીદાર કપડું હોય છે. જ્યારે નિકાબ ચહેરાને ઢાંકે છે અને આંખોની આસપાસનો ભાગ ખુલ્લો રહે છે.
ઈટાલીની ઓળખ અને એકતાની રક્ષા માટેનો નિર્ણય
મેલોની સરકારના મંત્રીએ કહ્યું કે, ‘આ બિલ ફ્રાન્સથી પ્રેરિત છે, જ્યાં 2011માં બુરખા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અમે આ બિલ દ્વારા ઈટાલીની ઓળખ અને એકતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.’ હાલ, મેલોનીની ગઠબંધન સરકાર સંસદમાં બહુમતી ધરાવે છે, તેથી આ બિલને પસાર થવાની સંભાવના મજબૂત છે. જોકે, બિલ પર ચર્ચાની સત્તાવાર તારીખ જાહેર થઈ નથી.
ઇસ્લામી સંસ્થાઓના વિદેશી ફન્ડિંગ પર નજર
આ બિલ દ્વારા ધાર્મિક સંગઠનો પર નાણાંકીય પારદર્શિતાના નવા નિયમો પણ લાદવામાં આવ્યા છે. ખાસ કરીને તેમના પર જેણે દેશ સાથે સત્તાવાર કરાર નથી કર્યા. સરકારનું કહેવું છે કે, આનાથી મસ્જિદ અને અન્ય ઈસ્લામી સંસ્થાઓની વિદેશી ફન્ડિંગ પર નજર વધશે, જે કટ્ટરવાદને વધારી શકે છે. બિલના માળખામાં કહેવામાં આવ્યું કે, ‘ઇસ્લામી કટ્ટરવાદનો પ્રસાર… નિસંદેહ ઇસ્લામી આતંકવાદ માટે પ્રજનન સ્થળ છે.’
કેમ લેવાયો આ નિર્ણય?
વડાંપ્રધાન મેલોની તેમના જમણેરી વિચારધારા માટે જાણીતા છે. તેમણે આ બિલને ‘ઇસ્લામી અલગતાવાદ’ સામે એક શક્તિશાળી હથિયાર ગણાવ્યું છે. તેમનું માનવું છે કે આવા કપડાં માત્ર સુરક્ષા માટે ખતરો જ નથી, પરંતુ સમાજમાં વિભાજનને પણ પ્રોત્સાહન આપે છે. ઈટાલીમાં લગભગ 5,00,000 મુસ્લિમ વસ્તી છે અને તાજેતરના વર્ષોમાં સ્થળાંતર અને સાંસ્કૃતિક એકીકરણના મુદ્દાઓ રાજકીય ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. મેલોની સરકારે અગાઉ સ્થળાંતર કરનારાઓ સામે કડક નીતિઓ અપનાવી છે, જેમ કે ભૂમધ્ય સમુદ્રમાં ગેરકાયદે બોટ રોકવા.
બિલની જાહેરાતથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જમણેરી સમર્થકો તેને રાષ્ટ્રીય ગૌરવનો બચાવ કહી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનો તેને ‘ઇસ્લામ વિરોધી’ કહી રહ્યા છે. ઈટાલીના અગ્રણી મુસ્લિમ સંગઠને કહ્યું કે, ‘આ મહિલા સ્વતંત્રતા પર હુમલો અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.’




