અર્થામૃત: જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એશઆરામનો ત્યાગ કરવો જોઈએ; કારણ કે મોજશોખની ઇચ્છા હોય તેને ક્યારેય વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તેને ક્યારેય આરામ મળતો નથી.
કથામૃત: એક રાજ્યમાં રાજાનું મૃત્યુ થયું. કોઈ વારસદાર ન હોવાથી નગરજનોમાંથી જે રાજ્યનું સંચાલન કરવા માંગતા હોય એવાં તમામ યુવાન ભાઈ-બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું. લગભગ 50 જેટલા યુવાનો અને 50 જેટલી યુવતીઓ રાજ્યનું શાસન કરવાની અપેક્ષા સાથે એકઠાં થયાં. આ તમામ 100 વ્યક્તિઓને નગરના દરવાજાની બહાર બેસાડીને કહેવામાં આવ્યું કે, ‘રાજ્યનું સંચાલન એ વ્યક્તિને સોંપવામાં આવશે જે આ દરવાજેથી પ્રવેશીને બે કિલોમીટર દૂર આવેલા સામેના દરવાજેથી સૌથી પહેલા બહાર આવી શકે. અને આ બે કિલોમીટરનું અંતર કાપવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય આપવામાં આવશે.’ સૂચના મળતા જ પોતે જ રાજ્યના સંચાલક બનશે એવી આશા સાથે દરેકે પોતાની તમામ તાકાત લગાવીને દોડવાની શરૂઆત કરી. થોડું આગળ ગયા ત્યાં રસ્તામાં મોટું બોર્ડ મારેલું હતું, જરા બાજુએ તો જુઓ… બાજુમાં ડાન્સ ચાલુ હતો. એક તરફ અભિનેત્રીઓ અને બીજી તરફ અભિનેતાઓ નાચતા હતાં. અને એમની સાથે નાચવાની આ તમામ સ્પર્ધકોને છૂટ હતી. મોટા ભાગનાં યુવાનો અને યુવતીઓ તો અહીં જ નાચવા માટે આવી ગયાં. બાકીના આગળ વધ્યા ત્યાં રસ્તામાં કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ, કોઈ જગ્યાએ ડ્રાયફ્રુટ્સ, કોઈ જગ્યાએ જ્યૂસ અને કોઈ જગ્યાએ ચોકલેટ્સ; અનેક પ્રકારના ખાવાપીવાના આકર્ષણ હતાં. જેને જે ફાવ્યું તે ત્યાં રોકાઈ ગયા. એક યુવાન સતત દોડતો રહ્યો અને પેલા દરવાજાની બહાર સૌથી પહેલા નીકળ્યો. એના ગળામાં હાર પહેરાવીને જાહેર કરવામાં આવ્યું કે, તમે આ રાજ્યના સંચાલક. તમને ત્રણ પ્રશ્ન પૂછવા છે.
- Advertisement -
યુવાને કહ્યું, પૂછો, શું પૂછવું છે તમારે?
1. તમારી સાથે બીજા 99 વ્યક્તિ દોડતી હતી એમણે રસ્તામાં ઘણું જોયું. તમે કંઈ જોયું ?
યુવાને જવાબ આપ્યો કે, હા મેં પણ બધું જ જોયું.
2. તમને કોઈ ઇચ્છા ના થઈ ?
યુવાને કહ્યું કે, ઇચ્છા તો મને પણ થઈ. નાચવાની, ખાવાની, પીવાની કારણ કે હું પણ માણસ જ છું.
3. તમે બધું જોયું, તમને ઇચ્છા પણ થઈ તો તમે એમ કર્યું કેમ નહીં ?
નવા નિયુકત થયેલા રાજ્યના સંચાલકે સરસ જવાબ આપ્યો, મને જ્યારે નાચવાની, ખાવાની કે પીવાની ઇચ્છા થઈ ત્યારે મારી જાતને થોડી સેક્ધડ રોકીને વિચાર્યું કે આ બધું તો આજનો દિવસ જ છે. કાલનું શું ? પણ જો આજે આ બધું જતું કરીને એક વાર આ રાજ્યનો સંચાલક બની જાઉં તો આ મજા તો જિંદગીભર કરી શકું. બસ, મેં જિંદગીભરના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો.