બે વર્ષ પહેલાં અમે કર્ણાટકના હિલ સ્ટેશન કૂર્ગ ગયા હતાં. મજાનું છે. નાનું પણ રૂપકડું. કોફી પ્લાન્ટેશન અને એલચી-લવિંગ જેવા તેજાનાની ખેતી માટે જાણીતું. અમે એક વિશાળ કોફી એસ્ટેટમાં રોકાયા હતાં. લગભગ 1200 એકરમાં ફેલાયેલી આ પ્રોપર્ટી જાણે ગાઢ જંગલ જ હતું. ભીની-ભીની ખુશ્બુ, નિરવ શાંતિ અને જોખમ જેવું કશું જ નહીં. આ એસ્ટેટ મધ્યે તેનાં માલીકે ત્રણ મસ્ત મકાન બનાવ્યા હતાં. છૂટાછવાયા. અમારાં મકાનમાં બે બેડરૂમ, હોલ, કિચન અને ડાઈનિંગ રૂમ હતો. મકાનની ચારેય તરફ બગીચો. ઍન્ટિક સ્ટાઈલનું વૂડન ફર્નિચર. એટેન્ડન્ટ તરીકે એક કપલ. આપણે જે કહીએ તે બનાવી આપે. ચા-નાસ્તો, ભોજન- જે કહીએ તે. પડખે જ એમનું ઘર હતું. અડધી રાત્રે પણ બોલાવીએ તો આવી જાય. ક્યાં- શું જોવું તેનું ગાઈડન્સ આપે. અમને મન થયું તો અમેય રસોઈ બનાવી લીધી. કૂર્ગમાં લકઝરિયસ હોટલ કંઈ ઓછી નથી. પરંતુ આખી દુનિયામાં અત્યારે આવા હોમ-સ્ટેની બોલબાલા વધી રહી છે. મોટાં ગ્રૂપ સાથે કે બે-ચાર પરિવારો સાથે મળીને ગયા હોય તો હોમ સ્ટેની મજા બેવડાઈ જાય છે.
હોમ સ્ટે આજકાલ ટ્રેન્ડમાં છે. જ્યાં હોટેલ્સ બહુ મોંઘી હોય ત્યાં તો તેનું ચલણ વધી રહ્યું જ છે, ભારતમાં પણ અનેક પરિવારો હવે હોમ સ્ટેનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે. યુરોપનાં મોંઘાદાટ દેશોમાં તો એ પર્યટકો માટે રાહતરૂપ પણ છે અને આશીર્વાદરૂપ ઓપ્શન પણ ખરો. સામાન્ય રીતે હોટલનો સ્ટાફ બહુ પ્રોફેશનલ હોય છે. કહો કે, કમર્શિયલ માઈન્ડ સેટ ધરાવતો હોય છે. હોમ-સ્ટેમાં મોટા ભાગે તમને પરિવાર જેવું વાતાવરણ મળે છે. હોમ-સ્ટેમાં તમે યજમાન (હોસ્ટ) સાથે સંવાદ કરી શકો છો, તેમની પાસેથી માહિતી મેળવી શકો છો, તેમની સંસ્કૃતિ વિશે જાણી શકાય, જે-તે પર્યટન સ્થળ- પ્રદેશનું ઑથેન્ટિક ફૂડ માણી શકાય.
- Advertisement -
હોમ સ્ટેનાં અનેક પ્રકાર હોય છે. કોઈ તમે આખું ઘર પણ ભાડાં પર મેળવી શકો, ઘરનો એકાદ રૂમ પણ રાખી શકો અને હોસ્ટ સાથે તેમનાં ઘેર મહેમાન તરીકે પણ રહી શકાય. એક બેડરૂમથી લઈને દસ-બાર બેડરૂમના બંગલો પણ હોમસ્ટે તરીકે મળી રહે છે. હિમાલયમાં આવેલા પર્યટન કેન્દ્રોમાં અને મુંબઈ જેવા મહાનગરોમાં હોમ સ્ટેનો ટ્રેન્ડ હરણછલાંગ લગાવતો આગળ વધી રહ્યો છે.
હોમ સ્ટે માટે ફેસબૂક જેવાં પ્લેટફોર્મ પર અનેક પેજ ચાલે છે. જો કે, અશબિક્ષબ નામની મોબાઈલ એપ્પ આ ક્ષેત્રે દુનિયાનું નંબર-વન પ્લેટફોર્મ છે. આ એપ્પ મોબાઈલમાં રાખવા જેવી છે. કેલિફોર્નિયા-અમેરિકાથી શરૂ થયેલી આ એપ્પમાં દુનિયાભરની લગભગ 80 લાખ પ્રોપર્ટી લિસ્ટેડ છે. ગુજરાતનાં અમદાવાદ, રાજકોટ કે જૂનાગઢમાં તમારે હોમ સ્ટે જોઈતો હોય તો અશબિક્ષબ પર વિકલ્પો મળી રહે અને એમેઝોનના જંગલ નજીક જવું હોય તો ય ઓપ્શનની કમી નથી. જગતનાં છેડાં જેવા આઈસલેન્ડમાં પણ તમને આ એપ્પની મદદ થકી સેંકડો પ્રોપર્ટીના વિકલ્પો મળી જાય.
આપણે સૌએ હોટેલમાં બહુ મજા કરી લીધી. પરંતુ હોમ સ્ટેનો આનંદ સાવ અલગ હોય છે. બીજું, હોમ સ્ટે સામાન્યત: હોટેલ કે રીસોર્ટ કરતાં ઘણાં સસ્તાં હોય છે. જરા અલગ રીતે, થોડી થ્રિલ સાથે ફરવા જવું હોય તો હવે ફરવા જવાનું થાય ત્યારે હોટેલને બદલે હોમ સ્ટેનો વિકલ્પ પસંદ કરજો.