રાજકોટ ‘આપ’નો રસ્તા પરના ખાડાને લઈ વ્યંગાત્મક વિરોધ
રાજકોટ તો પેરીસ જેવું છે શહેરમાં ક્યાંય ખાડા નથી કે, પાણી પણ નથી ભરાયુ: ‘આપ’નો ભાજપ સરકાર પર કટાક્ષ
થાળી વગાડીને ભાજપ સરકાર હાય…હાય….ના સૂત્રોચ્ચાર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વરસાદના લીધે રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં ખાડા પડી ગયા છે જેને લઈને રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે વ્યંગાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. આપ શહેર પ્રમુખ દિનેશ જોશીએ કહ્યું હતું કે, મેયર સરકારી ગાડીઓમાં મોજથી ફરે છે પરંતુ તેઓ જો એક્ટિવા પર નીકળે તો ખબર પડે કે, રાજકોટની હાલત કેવી છે? લોકો હેરાન થઈ રહ્યા છે પરંતુ ભાજપની મૂંગી સરકારને કંઈ ફરક નથી પડતો. જો આમ રહ્યું તો 2026ની મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ હારી જશે.
દિનેશ જોશીએ ભાજપ સરકાર પર વ્યંગાત્મક પ્રહારો કરતા જણાવ્યું કે, રાજકોટના રસ્તાના તો પેરીસમાં પણ વખાણ થાય છે. રાજકોટમાં ક્યાંય પણ ખાડા નથી કે, પાણી નથી ભરાયા. ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો તો ક્યાંય દેખાયા જ નથી. ત્યારબાદ થાળી વગાડીને ભાજપ સરકાર હાય…હાય..ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના આગેવાનોના મતે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં હાથ ધરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી છે. મેદાન પર તેની કોઈ અસર જોવા મળી નથી.
ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. જો સમયસર આ ખાડાઓની મરામત કરવામાં નહીં આવે તો વરસાદ વધુ પડતા આ ખાડાઓ જીવલેણ બની શકે છે.
- Advertisement -
સાંસદ તો ભાષણમાં રમૂજ કરે છે
દિનેશ જોશીએ સાંસદ પરસોત્તમ રૂપાલાને આડે હાથ લઈ કહ્યું હતું કે, તેઓ આવી પરિસ્થિતિમાં ક્યાંય દેખાયા જ નથી માત્ર ભાષણમાં રમૂજ જ કરે છે. કોઈ દિવસ ક્યાંય જોવા નથી મળતા
દિનેશ જોશીએ પોલીસને આપનો ખેસ પહેરાવતા મામલો બીચક્યો
આપ શહેર પ્રમુખ દિનેશ જોશી તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે દિનેશ જોશીએ પોલીસને આપનો ખેસ પહેરાવતા મામલો બીચક્યો હતો અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ તમામ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.