સરકારી નોકરી કરતાં માતાપિતાના મૃત્યુ પછીના કિસ્સામાં HCનો ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતા કર્મચારી અને તેની પત્નીના મૃત્યુ બાદ તેમના 6 સંતાનો પૈકી સૌથી નાની દીકરી જેની ઉમર 25 વર્ષ કરતા ઓછી છે તેમને ફેમિલી પેન્શન ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે સરકારના નિયમ મુજબ જે સમયે કર્મચારીનું મૃત્યુ થાય તે સમયે તેમના સંતાન જેની ઉમંર 25 વર્ષ કરતા ઓછી હોય તેમને ફેમિલી પેન્શન ફરજિયાત મળવું જોઈએ. કોર્ટે સરકારને 2018 થી 2020 બે વર્ષના સમયગાળાનું પેન્શન ચૂકવી દેવા સરકારને આદેશ કર્યો છે. કોર્પોરેશનમાં ફરજ બજાવતા એક કર્મચારી 2013માં નિવૃત્ત થયા હતા. 2016માં તેમનું અવસાન થતા ફેમિલી પેન્શન તેમની પત્નીને મળતું હતું. તેમની માતાનું 2018માં અવસાન થયું હતું. તે સમયે તેમના કુલ 6 સંતાનો હતા. તે પૈકી સૌથી નાની દીકરીની ઉંમર 25 વર્ષ કરતા ઓછી હતી તથા તે અપરિણીત હતી. તેથી 2018 થી 2020 સુધીના સમયગાળાનું ફેમિલી પેન્શન તેમની દીકરીને વ્યાજ સાથે ચુકવવા દાદ માગી હતી. સરકાર તરફે એવી રજૂઆત કરી હતી કે,દીકરીના પિતાના રેશનકાર્ડમાં દીકરીનું નામ નહીં હોવાથી તેને પેન્શન મળી શકે નહીં. હાઈકોર્ટે પેન્શન વિભાગના હુકમને રદ કરીને દીકરીને બે વર્ષનું પેન્શન વ્યાજ સાથે ચૂકવી દેવા આદેશ કર્યો છે.
નોમિનીમાં સંતાનનું નામ ન હોય તો પણ હકદાર
જસ્ટિસ સંદીપ ભટ્ટે તેમના ચુકાદામાં ઠેરવ્યુ છે કે અપરિણીત દીકરી જેની ઉંમર 25 વર્ષ કરતા ઓછી હોય તેને માતા-પિતાનું ફેમિલી પેન્શન મળવું ફરજિયાત છે. ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ-2002 ના રૂલ્સ 91(3) હેઠળ નોમિનીમાં સંતાનનું નામ ન હોય તો પણ તેની ઉમંર 25 વર્ષ કરતા ઓછી હોય તો તેને ફેમિલી પેન્શન ચૂકવવું ફરજિયાત છે.મૃતક સરકારી અધિકારીના એક કરતા વધુ સંતાનો હોય તો સૌથી મોટા સંતાનને સૌથી પહેલી પેન્શન મળવાની તક મળે છે પરતું તેની ઉમર 25 વર્ષ કરતા વધુ હોય તો તેના કરતા સંતાન જેની ઉંમર નાની હોય તેને પેન્શન મળે છે.