તા.13 જૂનથી શાળાઓ શરૂ થાય તે પુર્વે સલામતી અંગે ચકાસણી કરવા શિક્ષણાધિકારીઓને પ્રાથમીક શિક્ષણ નિયામકનો આદેશ
રાજકોટમાં ગેમઝોનમાં તાજેતરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પ્રા.શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલવાનને લઈને ખાસ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ તમામ સરકારી, અનુદાનીત અને બિન અનુદાનિત ખાનગી પ્રાથમીક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળકોના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તાકીદ કરાઈ છે.
- Advertisement -
પ્રાથમીક શિક્ષક નિયામક દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને આપવામાં આવેલી સૂચના પ્રમાણે 13મી જૂનથી સ્કુલો શરૂ થાય તે પહેલા સલામતી અંગે ચકાસણી કરવાની રહેશે. બસ દ્વારા કે અન્ય વાહન દ્વારા બાળકો સ્કુલે લઈ આવવા-જવાની કામગીરી પહેલા સલામતી અંગે વાલીઓ સાથે બેઠક યોજીને જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે.
રિક્ષા કે વેનમાં બાળકોને વધુ સંખ્યામાં બેસાડવામાં આવશે તો તેના માટેની જવાબદારી સ્કુલ સંચાલકની રહેશે. સ્કુલ રિક્ષામાં કે વેનમાં નિર્ધારિત કરાયેલા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો વાલીઓએ આ અંગે સંચાલકો અને આરટીઓ અથવા તો ટ્રાફિક પોલીસને જાણ કરવાની રહેશે. સ્કુલો દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી દરેક જિલ્લા શિક્ષરાધિકારી કચેરી દ્વારા કરવાની રહેશે. મહત્વની વાત એ છે કે, પ્રાથમીક શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે.
પરંતુ આ પરિપત્રનો અમલ થાય છે કે નહીં તેની ચકાસણી કયારેય કરવામાં આવતી નથી. સરકાર દ્વારા ડીઈઓ-ડીપીઓ પાસેથી સમયાંતરે જે અહેવાલ માંગવો જોઈએ તે પણ માંગવામાં આવતો નથી. જાહેર કરાયેલા પરિપત્રમાં પણ જો કોઈ મુદ્દે અમલ ન થાય તો તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દરેક સ્કુલોએ બાળકોના પરિવહનમાં સલામતી રહે તે માટે પ્રચાર-પ્રસાર કરવાની તાકીદ કરવામાં આવી છે. આમ, રાજકોટની ઘટના બહાર આવ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલો શરૂ થાય તે પહેલા સલામતીને લઈને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
- Advertisement -
શું છે સ્કૂલ વાન- રિક્ષાના નિયમો
-રિક્ષામાં 6થી વધુ બાળકો ન બેસાડી શકાય
-12 વર્ષથી નાના હોય તો 6 જ બાળકો બેસાડી શકાય
-15 વર્ષના હોય તો 3 જ બાળકોને બેસાડી શકાય
-સ્કૂલ વાનમાં આગળની સીટ પર બેસવાની મંજૂરી નહીં
-વાનની બારીઓમાં લોખંડની જાળીઓ લગાડવાની રહેશે
-વાનમાં ફર્સ્ટ એઇડ કીટ અને ફાયર એક્સટિંગ્વિશર ફરજીયાત
-વાનની આગળ પાછળ અને બન્ને બાજુ મોટા અક્ષરે સ્કૂલવાન લખવાનું રહેશે
-વાનને લગતા તમામ નિયમો ઓટો રિક્ષાને લાગુ પડશે