ભારતે અમેરિકાને વિનંતી કરી છે કે 25 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારી આગામી વાટાઘાટો સુધી કરારની શક્યતાઓ ખુલ્લી રાખવા માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવામાં આવે: સરકારી સૂત્રો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
- Advertisement -
ભારત સરકારે અમેરિકાને 1 ઓગસ્ટની સમયમર્યાદા મુલતવી રાખવા અપીલ કરી છે. આ તારીખ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો આ તારીખ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર નહીં થાય, તો તેઓ ભારત પર 20-25 ટકા સુધીનો ટેરિફ લાદી શકે છે. મંગળવારે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે ભારત એક સારો મિત્ર છે, પરંતુ તેણે લગભગ દરેક દેશ કરતા વધારે ટેરિફ અમેરિકા પાસેથી વસૂલ્યા છે. આ હવે ચાલી શકે નહીં. ભારત પર વધુ ટેરિફ લાદી શકાય છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે અમેરિકાને વિનંતી કરી છે કે 25 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારી આગામી વાટાઘાટો સુધી કરારની શક્યતાઓ ખુલ્લી રાખવા માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવામાં આવે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને પક્ષો વાતચીતમાં રોકાયેલા છે. હજુ બે દિવસ બાકી છે. કંઈ પણ થઈ શકે છે. આશા છે કે અમેરિકા સમય આપશે, પરંતુ અંતિમ નિર્ણય અમેરિકી સરકારે લેવાનો છે.
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે સોમવારે જણાવ્યું હતું કે, આપણે ભારત સાથે વધુ વાતચીત કરવાની જરૂર છે. અમે હંમેશા ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે, પરંતુ હવે જોવાનું બાકી છે કે ભારત સરકાર આ સોદા માટે કેટલી મહત્વાકાંક્ષા બતાવે છે.
મંગળવારે, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એક ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે નક્કી કરશે કે ભારતના પ્રસ્તાવને સ્વીકારવો કે ટેરિફ લાદવો.
ટ્રમ્પ વહીવટીતંત્રનો દલીલ છે કે અમેરિકા ભારત સાથેના વેપારમાં ભારે નુકસાન ભોગવી રહ્યું છે. 2024માં, અમેરિકાએ ભારતમાંથી 87.4 અબજ ડોલરના માલની આયાત કરી હતી, જ્યારે ભારતે અમેરિકામાંથી માત્ર 41.8 અબજ ડોલરના માલની આયાત કરી હતી. આ રીતે, અમેરિકાને 45.7 બિલિયન ડોલર વેપાર ખાધ સહન કરવી પડી. ભારતથી અમેરિકામાં થતી મુખ્ય આયાતમાં દવાઓ, મોબાઇલ અને સંદેશાવ્યવહારના સાધનો તેમજ કપડાંનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ટ્રમ્પે અગાઉ 2 એપ્રિલ, 2025ના રોજ ભારતમાંથી આયાત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, જેને પાછળથી બંધ કરી દેવામાં આવી હતી.
ટ્રમ્પના આ નવા નિવેદનથી ભારત સરકાર માટે રાજદ્વારી પડકારો વધુ વધી ગયા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે નવી દિલ્હી આનો કેવી પ્રતિક્રિયા આપે છે. શું બંને દેશો કરાર તરફ નિર્ણાયક પગલાં લેવા સક્ષમ છે.