રામ નામ લો અને ભૂત-પ્રેત-રોગ ભગાડો!
પોરબંદરના બિલેશ્ર્વર મહાદેવના મહારાજે બિલ્વપત્ર અને રામાયણ પાઠથી કોઢ મટાડ્યો હતો તેવું ગાંધીજી લખે છે
રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું: ગાંધીજી
- Advertisement -
ગાંધીજીના પિતાજી બીમાર હતા ત્યારે પોરબંદરના બિલેશ્વર મહાદેવ મંદિરના લાધા મહારાજ તેમની પાસે રામાયણ વાંચતા. ગાંધીજી પોતે લખે છે, “લાધા મહારાજને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાના બદલે તેમણે બિલેશ્વરમાં મહાદેવ પર ચડાવેલાં બિલ્વપત્રો કોઢિયેલ ભાગ પર બાંધ્યા ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંભ કર્યો ત્યારે તેમનું શરીર તદ્દન નિરોગી હતું…આ રામાયણશ્રવણ રામાયણ પરના મારા પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.”
સ્વાદ અને પાણીની તરસ અંગે તેઓ લખે છે કે ભૂખ અને તરસ લાગે ત્યારે જ અન્ન અને પાણી લેવાય. આ અંગે તેઓ વધુમાં લખે છે, “વિષય (ઈચ્છાઓ) જીતવાનો સુવર્ણ નિયમ તો રામનામ કે એવો કોઈ મંત્ર છે. જે મંત્ર લઈએ તેમાં આપણે તલ્લીન થવું જોઇએ… ભલે મંત્ર જપતાં બીજા વિચારો આવ્યા કરે, તે છતાં શ્રદ્ધા રાખી જે મંત્રનો જપ જપ્યા જ કરશે તે અંતે વિજય મેળવશે એમાં મને લેશ પણ શંકા નથી. એ મંત્ર તેની જીવનદોરી થશે અને બધાં સંકટોમાંથી તેને બચાવશે.”
‘નવજીવન’માં 25 જાન્યુઆરી 1925ના દિને તેઓ લખે છે, ” રામનામ ઉપર મારી આસ્થા તો ઘણાં વર્ષોની છે. કેટલાક મિત્રોને રામનામ રામબાણ દવારૂપ થઈ પડેલ છે. તેઓ ઘણી આંતરિક મુસીબતોમાંથી બચી ગયા છે.”
ડિપ્રેશન ત્યારે પણ વિદ્યાર્થીઓમાં આવતું હતું. એનો ઉપાય 4 એપ્રિલ 1929ના ’યંગ ઇન્ડિયા’માં ગાંધીજીની કલમે: “ગાડાં ભરીને ચોપડીઓ વાંચી તેમાંની માહિતી પોતાના મગજમાં ઠાંસવાથી પોતે કેવા ભાંગી ગયા છે એ વિશે હિંદભરમાંથી વિદ્યાર્થીઓ તરફથી મારા પર કાગળો આવે છે. એમાંના કેટલીકે મગજનું સમતોલપણું ગુમાવ્યું છે. બીજા કેટલાક પાગલ બની ગયા છે અને બીજા થોડા લાચાર બની મેલું જીવન ગાળે છે….યાતના મેં પણ ભોગવી છે. એટલે પ્રથમ રામનુું શરણ સ્વીકારો એટલે બાકીનું બધું પાછળથી તમને મળી રહેશે.”
કેટલાક તથાકથિત સાધુઓ-બાબાઓ અપરાધમાં પકડાય તેથી
રામચરિતમાનસને ગાંધીજી સર્વોત્તમ ગ્રંથ ગણતા હતા ગાંધીજીએ ડિપ્રેશનના શિકાર વિદ્યાર્થીઓને રામનામ ઉપચાર સૂચવેલો
બે-ચાર ઢોંગીઓના કારણે બધા સાધુઓ પર અવિશ્વાસ અંગે ગાંધીજી હોત તો કહેતા: ‘દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્ર્વાસન મળતું હશે’
- Advertisement -
ગાંધીજી નાનપણમાં ભૂત અને પ્રેતથી બચવા રામ નામનું રટણ કરતા હતા, પછી તેમને પિતરાઈ ભાઈએ રામ રક્ષા સ્તોત્ર શીખવાડ્યું હતું, ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે રામ નામના જપથી તેમનો ડર દૂર થયો હતો
આપણે બધાને એવા માનવા લાગીએ છીએ. શું આપણે કેટલાક કૌભાંડી રાજકારણીઓના કારણે બધા રાજકારણીઓને કૌભાંડી માનીએ છીએ? લખવા અને બોલવામાં જુદી વાત છે, એ સામે આવે ત્યારે તો આંખોના ડોળા કાઢી બોલનારાઓ પૂંછડી પટપટાવા લાગે છે. લફરાબાજ અને કેટલાક બળાત્કારી કલાકારોના કારણે આપણે બધા કલાકારોને વગોવીએ છીએ? વેપાર-ધંધામાં ભેળસેળ થાય છે. હિસાબમાં સાચું ખોટું થાય છે પણ મૂકેશ અંબાણી સામે અમે તો પૂછીશું જ એમ કહી ઇન્ટરવ્યૂ લઈ બતાવો. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કડક થતા રજત શર્મા અદાણી સામે કે યાસીન મલિક સામે હેં હેં એવા હાસ્ય સાથે નરમ થઈ પ્રશ્નો પૂછે છે.
ગાંધીજી આ વિશે સેરેસોલને શું કહે છે તે સાંભળો: “સાચું, પણ સારામાં સારી વસ્તુનો દુરુપયોગ થવાનો સંભવ રહે જ છે. ગમે તેટલા દંભને માટે અવકાશ છે ને ! અને હું તો જાણું છું કે દસ હજાર દંભી માણસ મળે તો એવા કરોડો સરળ જીવો પણ હશે જેને નામરટણમાંથી આશ્વાસન મળતું હશે. એ તો મકાન બાંધવા માટે પાલખ જોઈએ જ એના જેવી વાત છે. (હરિજન બંધુ, 26-5-1935)
નીચેનાં ગાંધીજીનાં વિધાનોમાં રામનામની જગ્યાએ બાલા હનુમાનજીનું નામ મૂકી દો તો આ વિધાનો ધીરેન્દ્ર શાસ્ત્રીનાં લાગશે:
“મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે, કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઇ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે…” (હરિજનબંધુ, 13-10-1946)
ગાંધીજી તો અનેક ’દાક્તર’ અને વૈદને ત્યાં ધક્કા ખાવાની પણ ના પાડતા હતા. આવું આજે કોઈ કહે તો? રજત શર્માએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછેલું કે મંત્રથી જ મટી જતું હોય તો ઔષધાલય શા માટે બનાવડાવો છો? ગાંધીજી હોત તો આ ઉત્તર આપત જે તેમણે ’હરિજન બંધુ’માં 2 જૂન 1946ના દિને આપ્યો હતો: “શારીરિક દૃષ્ટિથી અસાધ્ય હોવાને કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસ મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે. જેને રામનામનો ઇતબાર છે તે ગમે તે ઉપાયે પોતાનું આવરદા લંબાવવાને ખાતર એક નામાંકિત દાકતરને બારણેથી બીજાને બારણે કે એક વૈદ્યને ત્યાંથી બીજાને ત્યાં ધકકા નહીં ખાય. વળી વૈદ્ય કે દાક્તરનું હવે કશું ચાલતું નથી એમ જોઈ, ચાલો હવે રામનું નામ લઈએ, એ રીતે લેવાનો એ લાચારીનો ઇલાજ પણ નથી, રામનામનું રટણ તો તે બંને વિના ચલાવી લેવાની તાકાત મેળવવાને સારુ છે. રામનામના રામબાણ ઉપાય પર ભરોસો રાખનારને સારુ તે પહેલો તેમ જ છેલ્લો ઇલાજ છે.
આ જ વાત જુદા શબ્દોમાં 3 માર્ચ 1946ના ‘હરિજનબંધુ’માં તેમણે કહી છે: “સાચો કુદરતી ઉપચાર રામનામ જ છે. તેથી જ રામબાણ શબ્દ નીકળ્યો છે. રામનામ એ રામબાણ ઇલાજ. એ વિના થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધાર્યો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હૃદયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઈએ…જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જ સાથે રામનામ પણ ચાલુ રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનો નાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે.”
બંગાળમાં હિન્દુ મા-બહેન-દીકરીઓ પર બળાત્કાર, હત્યાઓ થતી એ સંદર્ભમાં ગાંધીજી: ઇશ્વર પર તમારી શ્રદ્ધા હોય, તો તમારી પત્ની તથા દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે ? એથી કરીને તમે મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામ લઈ મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામમાં જો તમને શ્રદ્ધા હોય તો બંગાળ છોડી જવાનો વિચાર તમારે ન કરવો ઘટે. જ્યાં તમે જન્મ્યાં અને મોટાં થયાં ત્યાં જ તમારે રહેવું જોઇએ અને જરૂર પડે તો બહાદુર સ્ત્રીપુરુષોને છાજે તે રીતે પોતાની આબરૂની રક્ષા કરતાં કરતાં ત્યાં જ મરવું જોઇએ. જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવુંં, એ માણસજાત પરની, ઇશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે. શ્રદ્ધાનું આવું દેવાળું કાઢવા કરતાં માણસે ડુબી મરવું, એ બહેતર છે. એ વખતે પણ કેમ મુસ્લિમ-હિન્દુ થતું હશે? ચૂંટણી આવવાની હશે એટલે?
રજત શર્માને કહો, બોલાવો ગાંધીજીને ’આપ કી અદાલત’માં.
- જયવંત પંડયા