પરમાત્માની ભક્તિ કરતી વખતે આપણા બધાના મનમાં થોડોક સ્વાર્થ હોય છે, ઘણો બધો વિશ્વાસ હોય છે, અનેક અપેક્ષાઓ હોય છે અને અગણિત માંગણીઓ હોય છે. ઈચ્છા સહિતની ભક્તિને સકામ ભક્તિ કહે છે. શાસ્ત્રોમાં સકામ ભક્તિનો વિરોધ કરવામાં નથી આવ્યો. કોઈ પણ કામના વગરની ભક્તિ એ નિષ્કામ ભક્તિ. આવી ભક્તિ શ્રેષ્ઠ ગણાય. કોઈ એવું પણ પૂછી શકે કે ઈશ્વર ભક્તિ કરવાથી ઈશ્વરના દર્શન થાય ખરાં? જરૂર દર્શન થાય, જો આપણી ભક્તિ નરસિંહની કક્ષાએ પહોંચે. મારા અંગત અનુભવ પરથી હું કહું છું કે પૂર્ણ શ્રદ્ધા સાથે કરેલી ઈશ્વરની ભક્તિ મારા અને તમારા જેવા ભક્તોને ઈશ્વરના દર્શન ન કરાવે તો પણ ઈશ્વરાનુભૂતિ તો અવશ્ય કરાવે જ. છેલ્લા દસ વર્ષમાં મને ડગલે ને પગલે ઈશ્વરની કૃપાથી અનુભૂતિ થતી રહી છે. મેં મનમાં ધારેલા કાર્યો આપોઆપ થઇ જાય છે, અણધારી આફતમાંથી કોઈ અદૃશ્ય શક્તિ મને ઉગારી લે છે, આજથી 25 કે 30 વર્ષ પહેલાં મારા નર્સિંગ હોમમાં જે પ્રસૂતાની મેં ડિલિવરી કરાવી હોય તેના પતિ, એ સ્ત્રી અને મારા હાથે અવતરેલું એ નવજાત શિશુ જે અત્યારે યુવાન બની ગયું હોય એ બધા તરફથી અચાનક અણધાર્યો પ્રેમ વરસવા લાગે છે. મેં આદરેલા સેવાના કાર્ય માટે અચાનક કોઈ દાતા તરફથી આર્થિક સહાય મળી જાય છે. હું તો આ બધામાં ઈશ્વરને જ જોઉં છું.
મને ખબર છે કે મારો મહાદેવ વ્યાઘ્રચર્મ પહેરીને, જટામાં ચંદ્રમા અને ગંગાને ધારણ કરીને, ગળામાં મુંડમાળ પહેરીને, હાથમાં ડમરુ અને ત્રિશૂળ લઈને મને દર્શન આપવા નથી આવવાનો. પણ મારી દરેક ઈચ્છા પૂર્તિમાં અને દરેક કાર્ય સિદ્ધિમાં મને એના ડમરુનો નાદ સતત સંભળાતો રહે છે.