સ્ત્રીઓ શ્રેષ્ઠ છે અને હંમેશા શ્રેષ્ઠ રહેશે
મારી કલમે
– શીતલ પંડ્યા
– શીતલ પંડ્યા
મિસ રાજકોટ 2013, મિસ ગુજરાત 2014, મિસ અનમોલ 2014 અને એફબીબી ફેમિના મિસ ઇન્ડિયા 2015 ગુજરાત ફાઇનાલિસ્ટ હું મોડેલ શીતલ પંડ્યા મારા અનુભવ જણાવતા ખુબ જ આનંદની લાગણી અનુભવું છું, મારુ માનવું છે કે “જ્યાં કમળ છે ત્યાં કાદવ પણ હોવાનો જ! ગ્લેમર વર્લ્ડના ઘણા ખરાબ પાસા છે, જે ક્યારેકને ક્યારેક દરેક સ્ટ્રગલરની સામે આવે છે આ ક્ષણે વ્યક્તિએ જાતે જ પોતાનો રસ્તો પસંદ કરવાનો હોય છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મુંબઈ, પુણેના ઘણા જાણીતાં કોસ્ચ્યુમ ડિઝાઈનર્સ અને મેક-અપ આર્ટિસ્ટ માટે રેમ્પ વોક કરી ચુકી છું, ઉપરાંત સ્નેપડીલ, ફ્લિપકાર્ટ, વુનીક – મિન્ત્રા જેવી ઈ-શોપિંગ વેબસાઈટ માટે ફોટોશૂટ પણ કરેલા છે.
સ્ત્રી ધારે તો સામાજિક બંધનને દૂર કરીને સફળ થઇ શકે છે. હું માનું છું પોતાના ધ્યેયને વળગીને રહેવાથી લક્ષ્ય જરૂર પ્રાપ્ત થાય છે, હાલના આધુનિક યુગની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માતા-પિતા છોકરીને કામ કરવાની છૂટ આપતા નથી કારણ કે ઘણીવાર શહેરની બાર કામ કરવું પડે છે, ક્યારેક તો રાતભર કામ કરવું પડે છે પરંતુ હાલની બદલતી પરિસ્થિતિને ધ્યાને રાખીને મહિલાઓને પણ સારી જગ્યાએ તથા સારા પોસ્ટિંગ પર કામ કરવાની તકો મળે છે, જો તમે કંઈક પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમારા પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમજ તમે તમારું કાર્ય બેસ્ટ રીતે કરશો તો કોઈ પણ તમને નીચે ખેંચવાની કોશિશ કરી શકશે નહિ, એક સ્ત્રી આત્મવિશ્વાસ અને નિષ્ઠાથી ભરપૂર હોય છે અને તે ખુદ જ પોતાની જાતને સફળ બનાવી શકે એમ છે.
- Advertisement -
સ્ત્રીઓ શ્રેષ્ઠ છે અને હંમેશા શ્રેષ્ઠ રહેશે. તમે સ્ત્રીને જે કંઈ પણ આપો છો, તે વધારે કરીને આપશે. જો તમે તેને મકાન આપો છો, તો તે તમને “ઘર” આપશે. જો તમે તેને કરિયાણુ આપો, તો તે તમને ભોજન આપશે. જો તમે તેને સ્મિત આપો છો, તો તે તમને તેનું હૃદય આપશે. તેણીને જે આપવામાં આવે છે તે ગુણાકાર કરે છે અને “Larger than life” કરીને તમને આપે છે.
સ્ત્રીને જેટલી લાગણી, માન, સમ્માન આપશો તે તેનાથી વિશેષ તમને બમણું કરીને આપશે પણ તેનાથી ઉલટું આજના આ આધુનિક યુગમાં સ્ત્રીભ્રુણ હત્યા, બળાત્કારના બનાવો, ઘરેલું હિંસા સહિતના અનેક અકલ્પનિય બનાવો બાળકીઓ સાથે બનતા હોય છે. સમાજમાં આવી ઘટનાઓ તદ્દન નિંદાને લાયક છે અને જયારે તમે સ્ત્રીને ધ્રુણા અને તિરસ્કાર આપશો તો તેણી તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જરાં પણ અચકાશે નહિ.


