રજામાં બાળકોને પરાણે શાળાએ બોલાવી ભણાવતા નથી અને મોટીમોટી બડાસ મારતા શક્તિ સ્કૂલના સંચાલકો પર કાર્યવાહી જરૂરી
શક્તિ સ્કૂલના સંચાલકોનું કાઉન્સેલિંગ અતિ આવશ્યક
- Advertisement -
વિદ્યાર્થીઓનું બાળપણ તો છીનવી લીધું અને હવે રજા પણ છીનવી લેતાં શાળા સંચાલકો
શક્તિ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ કહ્યું, શિક્ષકો બેઠા રહે છે અમે જાતે જ ભણીએ છીએ!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળી વેકેશન પહેલાં જ મોટાભાગની શાળાઓ શરૂ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દેકારો બોલી ગયો છે. ખાસ કરીને આ મામલે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી શક્તિ સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. દિવાળી વેકેશનમાં રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો ઉલાળીયો કરી વિદ્યાર્થીઓને શાળાએ પરાણે ભણતર માટે બોલાવનાર શક્તિ સ્કૂલના સંચાલકોએ મોટી મોટી બડાસ મારતા એવું કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનું રિવિઝન નહીં કરાવીએ તો તે આપઘાત કરી લેશે પરંતુ શક્તિ સ્ફૂલના સંચાલકો કેવું ભણાવે છે તેનો ભાંડો તેમની એક વિદ્યાર્થીનિએ ફોડતા જણાવ્યું હતું કે, અહીં શિક્ષકો બેઠા રહે છે, અમે અમારું વર્ક જાતે જ કરીએ છીએ!
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મોટાવડા શાળાના આચાર્ય અને શિક્ષકોના કારણે એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો આ ઉપરાંત મોદી સ્કૂલની એક વિદ્યાર્થીનિએ પણ ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લીધો હતો ત્યારે હવે શક્તિ સ્ફૂલના સંચાલકો દ્વારા રજામાં પણ વિદ્યાર્થીઓને ઘરાર શાળાએ બોલાવતા કોઈ વિદ્યાર્થીઓ ભણતરમાં ભારને કારણે ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લેશે તો કોની જવાબદારી? શક્તિ સ્કૂલના સંચાલકો આ અગાઉ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક-માનસિક ત્રાસ આપવા બદલ છાપે ચડી ચૂક્યા છે. આ સમયે વિદ્યાર્થી-વાલી હિતમાં શક્તિ સ્કૂલના સંચાલકોનું કાઉન્સેલિંગ અત્યંત આવશ્ર્યક બની જાય છે.
શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, દિવાળી વેકેશન વહેલું પૂર્ણ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓને ફરજિયાત બોલાવવામાં આવે છે. અમને તેનાથી ખૂબ જ કંટાળો આવે છે. અન્ય સ્કૂલોમાં રજા છે અને અમને અહીં બોલાવવામાં આવે છે. શિક્ષકો બેઠા હોય અને અમે અમારું વર્ક જાતે કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્કૂલમાંથી રજા આપવામાં આવતા અનહદ ખુશી મળી છે. સર લોકો સ્કૂલે પરાણે બોલાવતા અને ભણાવતા ન હોવાની વાત ખુદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા શક્તિ સ્કૂલમાં ક્યાં પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તે સમજી શકાય છે.
- Advertisement -
શક્તિ સ્કૂલના સંચાલકોને સીધાદોર કરવા કડક સજા જરૂરી
શિક્ષણ વિભાગે જાહેર કરેલા દિવાળી વેકેશન પહેલાં જ શહેરની મોટાભાગની શાળાઓ શરૂ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદોના આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ 10 જેટલી ખાનગી શાળાઓને નોટિસ પણ ફટકારી છે. જોકે શાળાને નોટિસ ફટકારી ખુલાસો માગવાથી કશું નહીં ઉપજે, બાળકોનું બાળપણ અને હવે રજા પણ છીનવી લેતા શક્તિ સ્કૂલના સંચાલકોને સીધા દોર કરવા તેમને કડક સજા થવી જરૂરી છે. આ અંગે વિદ્યાર્થી સંગઠન અને વાલી મંડળએ પણ આગળ આવવાની જરૂર છે.
શક્તિ સ્કૂલના સંચાલકો થોડા મહિના પૂર્વે વિદ્યાર્થીની 25 હજાર ફી ચાઉં કરી ગયેલા
રાજકોટમાં કેટલાક શાળા સંચાલકો ગેરરીતિ આચારી શિક્ષણના ક્ષેત્રને કલંકિત કરી રહ્યા છે. શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ પાસે આવેલી શક્તિ સ્કૂલના સંચાલકો પણ આ યાદીમાં સામેલ છે. આજથી થોડા મહિના અગાઉ નિર્મલ કાચા નામના એક વાલીએ પોતાની પુત્રીનું એડમિશન શક્તિ સ્કૂલમાં લીધું હતું ત્યારે શક્તિ સ્કૂલના સંચાલકોએ 25000 ફી લઈ લીધી હતી અને નિર્મલ કાચાની પુત્રીને ધો. 10માં ઓછા ગુણ આવતા એડમિશન કેન્સલ કરી પ્રવેશ આપ્યો નહતો. શક્તિ સ્કૂલના શાળા સંચાલકોએ વાલીને આર્થિક નુકસાન પહોચાડ્યા ઉપરાંત કેટલાય ધક્કા ખવડાવીને માનસિક ત્રાસ પણ આપ્યો હતો. આવા અનેક પ્રકરણ અને કિસ્સાઓ શક્તિ સ્કૂલના સંચાલકોના છે જે છાપે ચઢી ચૂક્યા છે.