ભાવનગર જિલ્લામાં હવામાન પલ્ટો: પંચમહાલ, દાહોદ પંથકમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં
નલિયામાં ફરી 9.3 ડિગ્રી: ભુજમાં 11.9, રાજકોટમાં પારો 12.6 ઉપર સ્થિર: જામનગરમાં ટાઢોડું પ્રસરી ગયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પણ ઠંડા પવનોનું જોર રહ્યું હતું. જેથી લોકો ઠુંઠવાયા હતા. ખાસ કરીને ગીરનાર પર્વત ઉપર 70 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા આજે સતત બીજા દિવસે રોપ-વેને બંધ રાખવો પડયો હતો. તો ગઇકાલે રાત્રીનાં તળાજામાં માવઠુ વરસ્યુ હતું.
આ ઉપરાંત ગઇકાલે પંચમહાલમાં ધોધંળા તાલુકાના કાપડી, કાંટ સહિતનાં ગામોમાં તેમજ દાહોદ, લીમખેડા, ઝાલોદ અને ગરબાડા પંથકમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડુતો ચિંતાગ્રસ્ત બન્યા છે.
લઘુતમ તાપમાન 14 ડિગ્રીએ અને મહતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયુ હતું. ભેજનું પ્રમાણ ઘટના પવનના કારણે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. વાતાવરણમાં પલ્ટો આવતા ભરશિયાળે વાદળો ચડી આવતા વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
દરમ્યાન ભાવનગર જિલ્લાનાં તળાજામાં રાત્રે 12 વાગે કમોસમી વરસાદ પડી ગયો હતો.
આજે સવારે ભાવનગર શહેર અને જીલ્લાભરમાં વાદળીયુ વાતાવરણ રહેવા પામ્યું છે. ગોહિલવાડ પંથકમાં ધાબડીયુ વાતાવરણ રહેવા પામ્યું છે. જીલ્લાનાં તળાજામાં રાત્રે કમોસમી વરસાદ પડયો હતો. વરસાદી ઝાપટુ વરસી જતા ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આજે સવારે ભાવનગર શહેરમાં વાદળીયુ વાતાવરણ રહેવા પામ્યું છે. આજે ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયુ છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમણ 75 ટકા રહેવા પામ્યુ છે. જયારે પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિકલાકની રહી હતી.
દરમ્યાન આજે સવારે અનેક સ્થળોએ વાદળીયા હવામાન વચ્ચે બર્ફીલો પવન યથાવત રહ્યો હતો. ખાસ કરીને કચ્છનાં નલિયામાં આજે ફરી 9.6 ડિગ્રી સાથે સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાતા તિવ્ર ઠંડી રહી હતી તેમજ ભૂજમાં 11.9 ડિગ્રી અને કંડલામાં 14.5 ડિગ્રી તેમજ રાજકોટમાં સવારે 8 કિ.મી.ની ઝડપે પવન સાથે 1ર.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તેમજ જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં પવનની ગતીમાં 3 કિમિનો વધારો સાથે પ્રતિ કલાક પવનની ગતિ 13.1 પહોંચી છે. શહેરમાં સુસવાટા મારતા પવનના કારણે દિનપ્રતિદિન ઠડીમાં વધારો થાય છે. ગઈકાલ સાંજ થી પવનના કારણે જામનગર ટાઢુંબોળ બન્યું હતું. જોકે લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી રહે છે. તો આકાશ વાદળછાયા વચ્ચે ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાયું છે.
જામનગર કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો.
જ્યારે મહતમ તાપમાન 25 ડિગ્રી પર રહ્યું છે.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 13.1 કિમિ નોંધાઇ છે.
શહેરમાં સુસવાટા મારતા પવનની ગતીમાં સતત વધારો થતો જાય છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3 કિમીની ઝડપમાં વધારા સાથે પવનની ગતિ પ્રતિકલાક 13.1 કિમિ પહોંચી હતી. સાથે લઘુતમ તાપમાનનો પારો પણ એક ડિગ્રી નીચે સરકીને 16 ડિગ્રી પર રહ્યો હતો.
આ ઉપરાંત આજરોજ સવારે અમદાવાદ ખાતે 17, અમરેલીમાં 16.6, વડોદરામાં 19.2, ડિસામાં 16.2, દિવમાં 19, દ્વારકામાં 16.4, ગાંધીનગરમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 18, સુરેન્દ્રનગરમાં 13.5 અને વેરાવળ ખાતે 18.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.