-અત્યાર સુધી ઈનામી રકમમાં હતો જમીન-આસમાનનો ફરક: બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે નિર્ણયને આવકાર્યો
મહિલા ક્રિકેટરો માટે 13 જૂલાઈનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ મહિલા ખેલાડીઓને એક સુવર્ણ ભેટ આપતાં એલાન કર્યું છે કે હવેથી આઈસીસીની તમામ ટૂર્નામેન્ટમાં મહિલાઓને પુરુષ જેટલું જ ઈનામ મળશે. બીસીસીઆઈના સચિવ જય શાહે પણ ટવીટ કરીને આઈસીસીના આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે.
- Advertisement -
આ નિર્ણય સાઉથ આફ્રિકાના ડરબનમાં આઈસીસીની વાર્ષિક બેઠકમાં લેવામાં આવ્યો છે. સમાન પ્રાઈઝ મની આપવાની શરૂઆત આવતાં ટી-20 વર્લ્ડકપથી થઈ શકે છે. સમાન પ્રાઈઝ મનીને લઈને ઘણા સમયથી વાતો ચાલી રહી હતી પરંતુ આ વખતની આઈસીસી બેઠકમાં તેના ઉપર સત્તાવાર મહોર લાગી ગઈ છે.
આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેએ કહ્યું કે આઈસીસી ટૂર્નામેન્ટમાં પુરુષ-મહિલા ક્રિકેટરોને હવે સમાન રીતે પ્રાઈઝ મની આપવામાં આવશે. આ નિર્ણય લેતાં મને અત્યંત ખુશી થઈ રહી છે. આ રમતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહિલાઓ અને પુરુષોને આઈસીસી ટૂર્નામેન્ટમાં અપાતી ઈનામી રકમમાં ઘણું જ અંતર હતું. 2019 વન-ડે વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે તેને ઈનામના સ્વરૂપે 28.4 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે રનર્સઅપ ન્યુઝીલેન્ડ ટીમને 14.2 કરોડનું ઈનામ આપવામાં આવ્યું હતું.
- Advertisement -
આ સામે મહિલાઓના 2022 વન-ડે વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે ઈનામ સ્વરૂપે તેને માત્ર 9.98 કરોડ રૂપિયા મળ્યા હતા તો રનર્સઅપ ઈંગ્લેન્ડને 4.53 કરોડનું ઈનામ અપાયું હતું.