– મારી યાત્રા દરમિયાન મેં મધ્ય પ્રદેશમાં ત્રણ બાલિકાઓને ફાટેલાં કપડામાં ધુ્રજતી જોઈ હતી
આટલી કડકડતી ઠંડીમાં પણ માત્ર ટી-શર્ટ પહેરીને જ પગપાળા ચાલી રહેલા રાહુલ ગાંધીને જ્યારે પુછવામાં આવ્યું કે તમો શા માટે ગરમ કપડાં નથી પહેરતા ? ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સોમવારે જણાવ્યું હતું કે મારી યાત્રા દરમિયાન મધ્ય પ્રદેશમાં કડકડતી ઠંડીમાં પણ ત્રણ બાલિકાઓને ફાટેલા કપડામાં ધૂ્રજતી જોઈ ત્યારથી તો મેં ગરમ કપડાં નહીં જ પહેરવાનો સંકલ્પ કર્યો હતો.
તેઓએ કહ્યું, લોકો મને પૂછે છે કે શા માટે હું માત્ર સફેદ ટી-શર્ટ જ પહેરૂં છું, ઠંડી નથી લાગતી ? તો હું તમોને તેનું કારણ કહું : મેં જ્યારે ક્ધયાકુમારીથી યાત્રા શરૂ કરી ત્યારે કેરલમાં તો ગરમી હતી, ભેજવાળી ગરમી હતી. પરંતુ અમે મધ્ય પ્રદેશ પહોંચ્યા ત્યારે થોડી ઠંડી શરૂ થઈ ગઈ હતી.
એક દિવસ ત્રણ ગરીબ બાલિકાઓ મારી પાસે આવી, તેમનાં કપડાં ફાટેલાં તૂટેલાં હતા. પૂરા કપડાં પણ ન હતાં, મેં જ્યારે તેમને તેડી ત્યારે તેઓ ધૂ્રજતી હતી. બસ ! તે દિવસથી મેં નિર્ણય કર્યો કે જ્યાં સુધી હું ધૂ્રજવા ન લાગું ત્યાં સુધી હું માત્ર ટી-શર્ટ જ પહેરીશ. તેમ રાહુલે સ્પષ્ટતા કરી હતી.
હરિયાણાનાં અંબાલામાં એક સ્ટ્રીટ કોર્નર મીટીંગમાં સોમવારે સાંજે રાહુલે આ પ્રમાણે જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે આ રીતે હું તે બાલિકાઓને પણ મારો સંદેશો પાઠવવા માગું છું.
તેઓએ કહ્યું જયારે મને ધુ્રજારી થવા લાગશે ત્યારે હું સ્વેટર પહેરવા વિચારીશ પરંતુ ત્યાં સુધીમાં હું તે ત્રણે બાલિકાઓને સંદેશો આપવા માગું છું કે તમો ઠંડી સહન કરો છો તો રાહુલ પણ ઠંડી સહન કરશે.’