‘8 કલાક જ થયા છે, હજુ ઘણું કરવાનું બાકી છે’: ભારત પર ટેરિફ વધારીને ટ્રમ્પે કહ્યું, ઘણાં બધાં સેક્ધડરી સેક્શન આવવાનાં છે: આજથી 25% ટેરિફ લાગુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે બુધવારે આ સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઓર્ડર 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી અમલમાં આવશે, જોકે ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટે જે 25% ટેરિફ લાદ્યો હતો એ આજથી, એટલે કે 7 ઓગસ્ટથી લાગુ થયો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, હવે ભારત પર કુલ 50% ટેરિફ લદાશે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, ચીન જેવા અન્ય દેશો પણ રશિયન તેલ ખરીદી રહ્યા છે ત્યારે તેઓ ફક્ત ભારત પર જ કડક કેમ છે ત્યારે તેમણે કહ્યું, ફક્ત 8 કલાક જ થયા છે. તમે ઘણું બધું થતું જોશો. ઘણાં બધાં સેક્ધડરી સેક્શન આવવાનાં છે. ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં અમેરિકા ભારત સહિતના તે દેશો સામે ‘સેક્ધડરી સેક્શન’ લાદી શકે છે જે રશિયા સાથે વેપાર સંબંધો બનાવીને બેઠા છે.
અમેરિકન કાર્યવાહી ગેરકાયદે: ભારતીય વિદેશ મંત્રાલય
ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી છે. મંત્રાલયે કહ્યું-અમેરિકાએ તાજેતરમાં રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે તેલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલું અન્યાયી, ગેરકાયદે અને ખોટું છે. ભારત તેનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
મને ખબર છે મોટી કિંમત ચૂકવવી પડશે… પણ હું એના માટે તૈયાર છું, ભારત ક્યારેય ખેડૂતોનાં હિત સાથે સમાધાન નહીં કરે: નરેન્દ્ર મોદીનો ટ્રમ્પને સીધો જવાબ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે આપણા ખેડૂતોનું કલ્યાણ અમારી પહેલી પ્રાથમિકતા છે. ભારત તેનાં ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોનાં હિત સાથે ક્યારેય સમજૂતી કરશે નહીં. મને ખબર છે કે મારે વ્યક્તિગત રીતે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે, પણ હું એના માટે તૈયાર છું. આજે ભારત મારા દેશના માછીમારો માટે, મારા દેશના પશુપાલકો માટે તૈયાર છે. ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવોર સામે ઝૂકશે નહીં, ભારત તેના ખેડૂતોનાં હિત સાથે સમાધાન કરશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મેસેજ સીધો ટ્રમ્પને આપ્યો છે. પીએમ મોદીના આ નિવેદનને ટ્રમ્પ દ્વારા બમણા ટેરિફની જાહેરાત સાથે જોડવામાં આવી રહ્યું છે. આજથી એટલે કે 7 ઓગસ્ટથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. 25% વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આ કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે. એની માગ ઘટી શકે છે. ત્યાંના આયાતકારો અન્ય દેશોમાંથી માલ મગાવી શકે છે.
એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટર પર મતભેદ
અમેરિકા તેના ડેરી ઉત્પાદનો (જેમ કે દૂધ, ચીઝ, ઘી વગેરે) ભારતમાં આયાત કરવાની મંજુરી માંગે છે.
ભારત વિશ્ર્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. ભારત સરકારને ડર છે કે જો અમેરિકન ડેરી ઉત્પાદનો ભારતમાં આવશે, તો સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.
આ સાથે, અમેરિકા ઇચ્છે છે કે ઘઉં, ચોખા, સોયાબીન, મકાઈ અને સફરજન, દ્રાક્ષ વગેરે જેવા ફળો ભારતીય બજારમાં ઓછા કરવેરા પર વેચી શકાય.
આ ઉપરાંત, અમેરિકા ભારતમાં બાયોટેકનોલોજી (GMO) પાક વેચવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત સરકાર અને ખેડૂત સંગઠનો તેનો સખત વિરોધ કરે છે.