પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને હવે મહાત્મા ગાંધીની યાદ આવી
ખાસ-ખબર સંવાદદાતા
એક ઈન્ટરનેશનલ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને પોતાની સરખામણી નેલસન મંડેલા અને ગાંધીજી જેવા મહાન નેતાઓ સાથે કરી છે. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની સરકાર મને જેલમાં ધકેલવાની છે. જેથી હું ચૂંટણી ના લડી શકું. પણ સરકાર મને જેટલુ દબાવવાના પ્રયત્નો કરશે તેટલી જ મારી પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ વધારે લોકપ્રિય બનશે. મારો કોઈ સ્વાર્થ નથી.
- Advertisement -
હું નેલસન મંડેલા, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણાના પગલે ચાલવા માંગું છું. ઈમરાને કહ્યુ હતુ કે, હું રાજકારણમાં કેરિયર બનાવવા માટે નથી આવ્યો. હું તો કોઈને પણ આ ક્ષેત્રમાં કેરિયર બનાવવાની સલાહ પણ આપતો નથી. કારણકે આ સૌથી ખરાબ ક્ષેત્ર છે. રાજકારણમાં આવવા પાછળનો હેતુ હોય છે. નેલસન મંડેલા, મહાત્મા ગાંધી, ઝીણા જેવા લોકોએ આઝાદી માટે લડાઈ લડી. તેઓ નિસ્વાર્થ સેવક હતા અને તેમના થકી મને પણ પ્રેરણા મળે છે.તેમને સત્તાની લાલચ ક્યારેય નહોતી. ઈમરાન ખાને વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, પાકિસ્તાનમાં જ્યારે પણ ચૂંટણી યોજાશે ત્યારે પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ પાર્ટી જ વિજયી બને.