ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કાપી નાખશે. લોકોના જનધન ખાતા બંધ કરાવી દેશે. સાથે જ મોદીએ ઇન્ડિયા ગઠબંધનને કેંસર કરતા પણ ઘાતક બીમારી ગણાવી હતી. અને વિપક્ષને જાતિવાદી, કોમવાદી, વંશવાદી ગણાવ્યો હતો.
- Advertisement -
ઉત્તર પ્રદેશના શ્રવસ્તીના ભાજપના ઉમેદવાર સાકેત મિશ્રા માટે પ્રચાર રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધનો પર પ્રથમ અધિકાર મુસ્લિમોનો છે. જોકે હું માનુ છુ કે દેશની સંપત્તિ અને સંસાધનો પર પ્રથમ અધિકાર દેશના ગરીબ લોકોનો છે. છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ ગરીબોને અમે ઘર બનાવી આપ્યા, હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ અમારા કામોને પલટાવવા માગે છે અને આ ચાર કરોડ ગરીબોના મકાનોને તાળા મારી દેવા માગે છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમે 50 કરોડ લોકોના જનધન ખાતા ખોલી આપ્યા છે. ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું છે કે તેઓ આ ખાતા બંધ કરીને લોકોના નાણા ઉપાડી લેશે. અમે દરેક ગામમાં વીજળી કનેક્શન પુરુ પાડયું છે, વિપક્ષ તમારુ વીજળી કનેક્શન પણ કાપી નાખશે.
જ્યારે ઉત્તર પ્રદેશના બસતીમાં રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાકિસ્તાન પ્રત્યે સહાનુભુતી ધરાવે છે. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી તાજેતરમાંં ઉત્તર પ્રદેશમાં સાથે રેલીઓ કરી રહ્યા છે. જેના પર ટોણો મારતા મોદીએ કહ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે 2017માં આ બન્ને નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં સાથે પ્રચાર કર્યો હતો અને હારનો સામનો કરવો પડયો હતો. હવે ફરી આ બન્ને નેતાઓ સાથે પ્રચાર કરીને એક નિષ્ફળ ગયેલી ફિલ્મ ફરી રીલીઝ કરી રહ્યા છે.
મોદીએ દિલ્હીમાં પણ રેલીને સંબોધી હતી, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન કોમવાદી, જાતિવાદી અને વંશવાદી છે. વિપક્ષ પાકિસ્તાનથી ડરી રહ્યો છે અને કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. શું તેઓને ખબર નથી કે 56 ઇંચની છાતી શું છે? નબળી કોંગ્રેસ સરકાર નહીં પણ મજબુત મોદી સરકાર એટલે 56 ઇંચની છાતી.
- Advertisement -
મોદી સરકાર જણાવે કે અદાણીનું કૌભાંડ છુપાવવા કેટલા ટેમ્પો ભરી રૂપિયા લીધા? : રાહુલ ગાંધીનો પ્રશ્ન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકાર અને અદાણીનું મોટુ કોલસા કૌભાંડ બહાર આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય મિત્ર અદાણી દ્વારા હલકી ક્વોલિટીનો કોલસો ત્રણ ગણો ઉંચો ભાવ લઇને વેચવામાં આવ્યો હતો. આ કોલસાનો ઉપયોગ સરકાર દ્વારા વીજળી ઉત્પાદન માટે કરાયો હતો, આમ નાગરિકો ઉંચા વીજળી બિલ ચુકવી રહ્યા છે. જ્યારે મોદી પોતાના મિત્રને ફાયદો પહોંચાડી રહ્યા છે. જોકે રાહુલ ગાંધીના આ આરોપોને લઇને અદાણી ગુ્રપ દ્વારા હાલ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ, અગાઉ રાહુલે કેટલાક આરોપો લગાવ્યા હતા તે મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
ફાઇનાન્શિયલ ટાઇમ્સમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)ને મળેલા દસ્તાવેજોને ટાંકીને પ્રકાશિત અહેવાલમાં પણ આ દાવો કરવામાં આવ્યો હતો, જેને ટાંકીને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. કોંગ્રેસ નેતાએ ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે મુદ્દે ઇડી, સીબીઆઇ અને આઇટીને મૌન રાખવા માટે કેટલા ટેમ્પો ભરીને રૂપિયા લેવામાં આવેલા તે સવાલનો જવાબ નરેન્દ્ર મોદી આપશે? 4 જુન (ચૂંટણી પરિણામ) બાદ ઇન્ડિયા ગઠબંધનની સરકાર આ કૌભાંડની તપાસ કરશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અદાણી દ્વારા વર્ષ 2014માં ઇન્ડોનેશિયાથી હલકી કક્ષાનો કોલસો ખરીદવામાં આવ્યો હતો, જેને બાદમાં સરકારી કંપની તામિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યૂશન કોર્પોરેશનને કોલસાની ક્વોલિટી ઉંચી બતાવીને ત્રણગણા ઉંચા ભાવે વેચ્યો હતો. અદાણીએ આ ડીલથી ત્રણ હજાર કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા જ્યારે આમ નાગરિકો ઉંચા વીજળી બિલોથી પરેશાન થતા રહ્યા.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સૈન્ય પણ અગ્નિવીર યોજના નથી ઇચ્છતી, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બન્યા બાદ આ અગ્નિવીર યોજનાને કચરા પેટીમાં નાખી દેવામાં આવશે. મોદી સરકારે દેશના જવાનોને મજૂર બનાવી નાખ્યા છે. અમારી સરકાર આ યોજનાને રદ કરીને કાયમી નોકરી આપશે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ રામ મંદિર પર બુલડોઝર ફેરવી દેશે, મોદીનો આ દાવો જુઠો છે. કોંગ્રેસ 55 વર્ષ સુધી સત્તામાં રહી તેમ છતા કોઇના પણ ધાર્મિક અધિકારોને છીનવી લેવાનો પ્રયાસ નથી કર્યો.