મનપામાં આવાસ યોજનાનાં મેનેજર સૂર્યપ્રતાપસિંહે પોસ્ટર લગાવ્યું, ‘લાંચ નહીં, પરંતુ સન્માન આપો’
ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાવી અરજદારોને મેસેજ આપ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં ઇજઋમાંથી આવેલા એક અધિકારીએ લાંચ-રૂશ્વતનો વિરોધ કરવા અનોખો પ્રયાસ કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં ’દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના’ હેડિંગ સાથે ’મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, તમારૂ કામ કરૂં તેમાં કોઈ ઉપકાર કરતો નથી, તો લાંચ ઓફર કરીને મારૂ અપમાન કરશો નહીં’ સહિતનું લખાણ લખેલા પોસ્ટર લગાવ્યા છે. આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાડી લાંચ આપી કામ કરાવવા માગતાં તત્ત્વોને દૂર રહેવા અને લાંચ નહીં, પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ અરજદારોને આપ્યો છે.
પોસ્ટર લગાવનારા સૂર્યપ્રતાપસિંહે જણાવ્યું હતું કે, હું અગાઉ ઇજઋમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ મનપાની આવાસ યોજના શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવું છુ. મારા મિત્રએ આ લખાણ મારા ધ્યાન પર મુક્યું હતું. જે મને સારી વાત લાગતા અને ખૂબ જ ગમી જતા મારી કચેરીની અંદર અને બહાર પોસ્ટર લગાવ્યા છે. મારુ સ્પષ્ટ માનવું છે કે, લોકોનું અમે કામ કરીએ છીએ તેનો અમને પગાર મળે છે. અરજદારોએ અમને થેન્ક્યૂ કહેવાની કોઇ જરૂર જ નથી. તેમજ કોઈ લાંચ-રૂશ્વત આપવાનો પ્રયાસ પણ કરે નહીં તેવા હેતુથી આ પોસ્ટરો લગાવાયા છે.
યોજનાની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવું સોફ્ટવેર બનાવ્યું
ઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રતાપસિંહે આવાસ યોજનાનો હવાલો સંભાળ્યા બાદ આવાસની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવો સોફ્ટવેર બનાવ્યો છે. આવાસ યોજના શાખામાં નવા આવાસો ક્યારે બનાવવાના છે તેની તપાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધક્કાઓ ખાતા અટકાવવા તેમણે બનાવેલા આ સોફ્ટવેરમાં આવાસ યોજનાની માહિતી મેળવવા માટે આવેલા અરજદારોનું રજિસ્ટ્રેશન કરી તેમને જોડવામાં આવ્યા છે અને જ્યારે નવી આવાસ યોજના જાહેર થાય ત્યારે તુરંત તેમને જખજ દ્વારા જાણ થઇ જાય તેવી ગોઠવણ સોફ્ટવેરમાં કરવામાં આવી છે. સોફ્ટવેર દ્વારા અરજદારને મેસેજ કરીને ફોર્મ ભરી દેવાની સૂચના પણ આપવામાં આવે છે.
- Advertisement -
દરેક ઑફિસમાં મુકવા જેવી સૂચના
‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રુશવતની ઓફર કરી મારું અપમાન કરશો નહી. તમારું વાજબી કામ હું કરી આપું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો. તમારું કોઇપણ ગેરવાજબી કામ હું પૈસા લઇને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું. કારણે કે, હું ભારતીય નાગરિક છું.’



