કોઈપણ મનુષ્ય રોજબરોજની ઘટમાળમાં સૌથી વધારે કયા શબ્દનો ઉપયોગ કરે છે ? આ શબ્દ છે: હું
હું એટલે કે હિન્દીમાં પજ્ઞ અને અંગ્રેજીમાં ઈં. અંગ્રેજીમાં તો આઇ કેપિટલ હોય છે એ આપણે બધા જાણીએ છીએ પરંતુ જગતની કોઈપણ ભાષામાં કોઈપણ મનુષ્ય માટે “હું” એ હંમેશા મોટો હોય છે. આ “હું” માંથી મારું અને પછી એની પ્રતિક્રિયા રૂપે તારું આવા શબ્દોનો ઉદ્ભવ થાય છે. ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકની શરૂઆત જ આ ભાવ સાથે થાય છે. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે યુધ્ધના મેદાનમાં મારા પુત્રો અને પાંડુપુત્રો વચ્ચે શું ચાલી રહ્યું છે ? જો આ મારા પુત્રો અને પાંડુપુત્રો વચ્ચેનું અંતર જન્મ્યું ના હોત તો કદાચ મહાભારત ન થયું હોત. ઋષિ અત્રેય સરસ કહી ગયા છે.નવજાત શિશુમાં અસ્તિત્વનું ભાન નથી હોતું,એટલે જ એનો કોઈ અહંકાર નથી હોતો.બાળકના જન્મ સાથે તેને નામ આપવામાં આવે છે. એ ધીમે ધીમે મોટું થાય એટલે એને ઓળખ આપવામાં આવે છે.એને એના ધર્મનો,જાતિનો , વંશનો અને પરિવારનો પરિચય આપવામાં આવે છે.મોટો થઇને તે ભણી ગણીને તૈયાર થાય છે ત્યારે તેના નામની આગળ કે પાછળ ડિગ્રી અને હોદ્દાનું ઘરેણું મૂકી દેવામાં આવે છે.ઋષિ અત્રેય કહે છે કે આ બધા મનુષ્યના અહમને પોષનારા આવરણો છે. એ માણસ ભૂલી જાય છે કે આ શરીર તેની ઓળખ નથી તે પોતે વિશુદ્ધ આત્મા છે.આત્માને કોઈ વિશેષ ઓળખ નથી માટે આત્માની અંદર અભિમાન નથી હોતું.
દેહધારી મનુષ્ય પોતાના દેહની સભાનતા છોડી દે અને આત્મા સાથે મનને જોડી દે તો તેનો અહંકાર નષ્ટ થઈ જશે.



