મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન
વિવાદ વધ્યો તો ફેરવી તોળ્યું
મારા મત વિસ્તારમાં લોકોએ મોદી નામના સ્થાનિક ગુંડા અંગે ફરિયાદ કરી હતી, હું તેના વિશે બોલી રહ્યો હતો: નાના પટોલે
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે “હું મોદીને મારી શકું છું અને તેને ગાળો પણ આપી શકું છું.” હવે તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતાએ તેમની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. પટોલેના આ નિવેદન પછી ભાજપે તેમની સામે મોરચો ખોલ્યો છે. વિવાદાસ્પદ નિવેદનને કારણે સાણસામાં આવતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તેમજ ધારાસભ્ય નાના પટોલેએ પોતાના નિવેદનથી ફેરવી તોળ્યું હતું. તેમણે કહ્યું, “મારા મત વિસ્તારમાં લોકોએ મોદી નામના સ્થાનિક ગુંડા અંગે ફરિયાદ કરી હતી. હું તેના વિશે બોલી રહ્યો હતો. આ વાતનો વીડિયો બનાવીને મારી વિરુદ્ધ ષડયંત્ર કરીને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.” પટોલેએ પોતાના બચાવમાં કહ્યું, “હું એક વખત ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે મેં ત્યાં જે પણ કંઈ કહ્યું, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે નહીં, પરંતુ સ્થાનિક મોદી નામના ગુંડા અંગે કહ્યું હતું.”


