કોઠારિયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી કરી વિડીયો ઉતાર્યો
આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોવાથી વાહન રોક્યું હતું : બે સામે ફરજમાં રૂકાવટનો ગુનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ટ્રાફિક બ્રાંચના સ્ટાફ સાથે વાહન ચાલકો દ્વારા દંડ અને વાહનના જરૂરી કાગળિયા મુદ્દે અવાર નવાર ઘર્ષણ થતું હોય છે ત્યારે ગઈકાલે કોઠારીયા ચોકડી પાસે ફરજ પર રહેલા ટ્રાફિક બ્રાંચના મહિલા જમાદાર સાથે બે શખ્સોએ પ્રેસનો રોફ જમાવી પોતે પત્રકાર છે તમે વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરો છો તેમ કહી ઝપાઝપી કરી ઈજા પહોંચાડતા ફરજમાં રુકાવટ અંગે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
રાજકોટ ટ્રાફિક બ્રાંચમાં જમાદાર તરીકે નોકરી કરતા સેજલબેન અમૃતલાલ પરમાર ઉ.30એ સંજયભાઈ ધામેચા અને જી જે 10 ઈ ડી 7613 નંબરના વાહન ચાલક સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે ટીઆરબી જવાન સાથે ગત બપોરે કોઠારીયા ચોકડી પર વાહન ચેકિંગ કરતા હતા ત્યારે આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરનું બાઇક નીકળતા અટકાવ્યું હતું. નિયમ મુજબ ચલણ બનાવી આપ્યું હતું. ત્યારે અન્ય એક બાઇક ચાલક નીકળ્યો હતો જેણે આવીને તેને કહ્યું કે તમે મને પણ અટકાવી લાયસન્સ અને કાગળો માંગી હેરાન કર્યા હતા આ પછી તેનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દેતા માણસો ભેગા થઈ ગયા હતાં તેણે તે વાહન ચાલકને શા માટે વીડિયો બનાવો છો તેમ પૂછતા કહ્યું કે હું પ્રેસમાંથી છું, મારું નામ સંજય ધામેચા છે તમે કાયમ વાહન ચાલકોને હેરાન કરો છો આ પછી જેનું ચલણ બનાવ્યું હતું તે વાહન ચાલકને ઉશ્કેરી તેને કહ્યું કે તમારો અહીં પોઇન્ટ નથી, તેમ છતાં વાહન ચાલકોને હેરાન કરો છો ત્યાર પછી તેની સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. સમજાવટ કરવા છતાં ઝપાઝપી કરતાં તેના કાંડાના ભાગે મૂંઢ ઇજા થઈ હતી જે દરમિયાન સંજયનો મોબાઈલ ફોન નીચે પડી જતાં તમે મારો મોબાઈલ ફોન તોડી નાખ્યો, તેનો ખર્ચ મને આપો તેમ કહી ફરીથી ઉગ્ર બોલાચાલી કરી આક્ષેપો કર્યા હતાં આખરે ઉપરી અધિકારીઓને જાણ કરતાં સ્થળ પર પહોંચ્યા હતાં. તેમણે પણ સમજાવટ કરી હતી. આમ છતાં બોલાચાલી ચાલુ રાખી હતી. સંજયને ક્યા પ્રેસમાં છો, આઈકાર્ડ બતાવો તેમ કહેતા કોઈ પ્રેસનું નામ આપ્યું ન હતું. આખરે તેના વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે સંજય અને વાહન ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



