મવડીના હરિદ્વાર પાર્કમાં રાજપૂત વૃદ્ધના ઘરમાં ઘુસીને ખુલ્લેઆમ ધમકી
ખાસ-ખબર સંવાદદાતા
શાંત અને રળિયામણા મનાતા રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની જાણે કોઈ વિસાત જ ન હોય તેમ ખુલ્લેઆમ ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
મવડીના 80 ફૂટ રોડ, હરિદ્વાર પાર્ક નં. 2, લાભુ સ્મૃતિ ગેઈટ સાગર હોલ પાસે વછરાજ નિવાસમાં રહેતાં વયોવૃદ્ધ ધીરૂભા મોતીભા ડાભી, રાજપૂત (ઉ.વ.62)એ દિનેશ મૂછડીના માણસ તરીકે ઓળખ આપનાર એમ.કે. તથા બે અજાણ્યા શખ્સો પોતાના ઘરમાં ઘુસી તારો દીકરો વિશ્ર્વજીત ક્યાં છે? તેમ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી 504, 506, 447, 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે ફરિયાદી ધીરૂભા મોતીભા ડાભી (જાતે રાજપૂત ઉ.વ.62)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 24ના કલાક 23-45 વાગ્યા આસપાસ હું મારા પરિવાર સાથે ઘરે સુતા હતા ત્યારે ઘરનો ડેલો ખખડવાનો અવાજ આવતાં હું ઉપરના માળે સુતો હોય મારા પત્નીએ મને જગાડેલ અને મેં રવેશમાં બહાર આવી જોયેલ તો અમારા ઘરનો મેઈન ડેલી ખુલ્લી હતી અને ફળીયામાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ઉભેલ હતા અને મેં બહાર આવીને પૂછેલ કે કોનું કામ છે તો તેમાંથી એક વ્યક્તિએ પોતાનું નામ એમ. કે. જણાવેલ અને મને કહેલ કે તમારો દીકરો વિશ્ર્વજીત ક્યાં છે તેનું કામ છે તેમ કહી ગાળો બોલતો હતો જેથી હું ગભરાઈ જતાં મારો દીકરો ઘરમાં હતો તેમ છતાં મેં ઘરમાં નથી તેમ કહેલ અને આ વ્યક્તિએ પોતાનું નામ એમ.કે. આપેલ તેણે મને એમ જણાવેલ કે હું દીનેશભાઈ મૂછડીનો માણસ છું અને વિશ્ર્વજીતને કહેજો કે તે દિનેશભાઈની ઘરે જઈ બહેનને મળતો આવે તેમ કહી મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગેલો અને તેની સાથે આવેલ બીજા બે અજાણ્યા વ્યક્તિઓ આવેલ તે પણ ભુંડી ગાળો બોલતા હતા. આ એમ.કે. નામનો વ્યક્તિ દિનેશ મૂછડી નામ જણાવેલ તેની સાથે મારા દીકરા વિશ્ર્વજીતને છ મહીના પહેલાં ઝઘડો થયેલ ત્યારે સમાધાન પણ થઈ ગયેલ હતું તેમછતાં આ એમ.કે. નામનો વ્યક્તિ તથા તેની સાથે આવેલ બે વ્યક્તિઓ દિનેશ મુછડીનું નામ લઈ અમારા ઘર પાસે આવેલ અને ભુંડી ગાળો આપવા લાગેલ અને જો વિશ્ર્વજીત દીનેશ મુછડીની ઘરે બહેનને મળવા નહીં જાય તો અમો વિશ્ર્વજીતને જાનથી મારી નાખશું તેમ ધમકી આપતાં ગયેલ અને બહાર તેઓ એક મોટર સાયકલમાં ત્રણ જણા જતા રહેલા. જેથી આ એમ.કે. તથા તેની સાથે આવેલ અજાણ્યા બે વ્યક્તિઓએ એકસંપ કરી અમારા મેઈન ડેલી ખોલી અંદર પ્રવેશ કરી મને ભુંડી ગાળો આપી મારા દીકરા વિશ્ર્વજીતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમનું મો.સા. લઈ જતા રહેલ. આ બાબતે એએસઆઈ કે. કે. માઢકે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રંગીલું રાજકોટ કે ક્રાઈમ નગરી?
શાંત મનાતા શહેરમાં કોઈ ગેંગસ્ટરની ઢબે મધરાત્રે ઘરમાં ઘુસી ધમકી મારવાની ઘટનાથી શહેરીજનોમાં ભયની લાગણી ફેલાય છે. જેના નામે ધમકી મારવામાં આવી તે દિનેશ મૂછડીના જૂથને જન્માષ્ટમીમાં પણ અન્ય જૂથ સાથે મારામારી થઈ હતી. ફરી આ જ નામે ફરિયાદ નોંધાવાય છે ત્યારે પોલીસ સત્વરે કડક કાર્યવાહી કરે અને આવારા-લુખ્ખા તત્ત્વો બેખોફ ને બેફામ બને તે પહેલાં દાખલારૂપ કામગીરી થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યાં છે.