રાહુલ ત્રિપાઠીનાં 44 બોલમાં 76 રન : ઉમરાન મલિકની 23 રનમાં 3 વિકેટ : જીતવા માટેના 194નાં ટાર્ગેટ સામે મુંબઈનાં 190/7
ખાસ-ખબર સંવાદદાતા
સનરાઈઝર્સ હૈદરાબાદે આખરી ઓવરમાં ત્રણ રનથી મુંબઈ ઈન્ડિયન્સ સામે રોમાંચક વિજય મેળવતા આઇપીએલની પ્લે ઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. જીતવા માટેના 194ના ટાર્ગેટ સામે મુંબઈ 7 વિકેટે 190 રન સુધી જ પહોંચી શક્યું હતુ. મુંબઈને જીતવા માટે આખરી ઓવરમાં 19 રનની જરુર હતી, ત્યારે હૈદરાબાદે ફારુકીને બોલ સોંપ્યો હતો. જેણે વાઈડથી શરૂઆત કર્યા બાદ ડોટ બોલનાંખ્યો હતો. રમનદીપે ત્યાર બાદ સતત બે બોલ પર બે-બે રન લીધા હતા અને ત્યાર બાદ ચોગ્ગો ફટકાર્યો હતો. આખરી બે બોલમાં મુંબઈને જીતવા 10 રનની જરુર હતી, ત્યારે ફારુકીએ ડોટ બોલ નોંખ્યો હતો. તેના છેલ્લા બોલ રમનદીપે સિક્સર ફટકારી હતી, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.
અગાઉ ટીમ ડેવિડે 18મી ઓવરમાં નટરાજનની બોલિંગમાં ઉપરાઉપરી ત્રણ સિક્સર ફટકારી હતી. જોકે તે રનઆઉટ થતાં મુંબઈને ફટકો પડયો હતો. મુંબઈને આખરી બે ઓવરમાં 19 રનની જરુર હતી. જોકે ભુવનેશ્વરે 19મી ઓવર મેડન નાંખતા વિકેટ ઝડપી હતી. હૈદરાબાદની જીતમાં રાહુલ ત્રિપાઠી અને ઉમરાન મલિકે મહત્વનો ફાળો આપ્યો હતો. ઉમરાને ત્રણ વિકેટ ઝડપી હતી.