ગ્લોબલ હંગર ઈન્ડેક્સ: વિશ્ર્વના 125 દેશોની યાદીમાં ભારત 111મા ક્રમે
ખાસ-ખબર સંવાદદાતા
ભારત દુનિયામાં પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે અને ટૂંક સમયમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવા કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે ગુરુવારે વૈશ્ર્વિક સ્તરનો ’ગ્લોબલ હંગર ઈન્ડેક્સ’ જાહેર થયો છે. 125 દેશોને સમાવતા આ સૂચકાંકમાં ભારતનો ક્રમ 111મો છે. વધુમાં ’ચાઈલ્ડ વેસ્ટિંગ’નો દર પણ સૌથી વધુ 18.7 ટકા છે, જે દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ વધુ કથળી છે. આ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં પણ વધુ ખરાબ દર્શાવાઈ છે. જોકે, આ સૂચકાંકને કેન્દ્ર સરકારને ફગાવી દીધો છે અને દાવો કર્યો છે કે ભારતને બદનામ કરવાના બદઈરાદાથી આ ઈન્ડેક્સ તૈયાર કરાયો છે. ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ) દ્વારા જાહેર કરાયેલો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જીએચઆઈ) વૈશ્ર્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભૂખમરાની સ્થિતિ પર નજર રાખે છે.
- Advertisement -
આ સંસ્થા દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 111મો છે. આ ઈન્ડેક્સમાં 125 દેશોનો સમાવેશ કરાયો હતો. ગયા વર્ષે 121 દેશો પરના ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 107 હતો. આ વર્ષના સૂચકાંક મુજબ વિશ્ર્વમાં ’ચાઈલ્ડ વેસ્ટિંગ’ રેટ પણ ભારતમાં સૌથી વધુ 18.7 ટકા છે જ્યારે વૈશ્ર્વિક ભૂખમરા સૂચકાંકમાં ભારતનો સ્કોર 28.7 ટકા છે, જે દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. આ ઈન્ડેક્સ મુજબ ભારતની સ્થિતિ તેના પડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ કરતાં પણ વધુ ખરાબ છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતા અને આકાશને આંબતી મોંઘવારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન આ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 102, બાંગ્લાદેશ 81, નેપાળ 69મા ક્રમે છે. વધુમાં થોડાક સમય પહેલાં નાદારીના આરે પહોંચી ગયેલું શ્રીલંકા આ ઈન્ડેક્સમાં 60મા ક્રમે છે.
દુનિયામાં ભૂખમરાની સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ એશિયા, આફ્રિકાના સહારા ક્ષેત્રના દક્ષિણ ભાગમાં છે, જ્યાં જીએચઆઈનો સ્કોર 27 છે. હંગર ઈન્ડેક્સના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં ચાઈલ્ડ વેસ્ટિંગ રેટ ભારતમાં સૌથી વધુ 18.7 ટકા છે, જે દેશમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. બાળકોની ઊંચાઈના સંદર્ભમાં વજનના આધારે ચાઈલ્ડ વેસ્ટિંગનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
ઈન્ડેક્સ મુજબ ભારતમાં કુપોષણનો દર 16.6 ટકા છે અને પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર 3.1 ટકા છે. રિપોર્ટ મુજબ 15થી 24 વર્ષની સગીરા-યુવતીઓમાં એનેમિયાનો દર 58.1 ટકા જેટલો ઊંચો છે.જોકે, કેન્દ્ર સરકારે આ ઈન્ડેક્સને ફગાવી દીધો છે. સરકારે સંસ્થાના ’ભૂખમરાની સ્થિતિ’ માપવાના મૂલ્યાંકનો ખામીવાળા હોવાનો દાવો કરતા કહ્યું છે કે આ મૂલ્યાંકનો ભારતની સાચી સ્થિતિ રજૂ નથી કરી રહ્યા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, આ ઈન્ડેક્સ તૈયાર કરવામાં ’ગંભીર મેથડોલોજિકલ સમસ્યા’ છે. વધુમાં આ રિપોર્ટ બદઈરાદાપૂર્વક ભારતને બદનામ કરવા તૈયાર કરાયો હોવાનું દર્શાવે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સૂચકાંકમાં ભૂખમરાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાના માપદંડો ખામીવાળા છે. આ ઈન્ડેક્સના ચારમાંથી ત્રણ માપદંડો બાળકના સ્વાસ્થ્ય સંબંધિત છે અને તે સંપૂર્ણ વસતીનું પ્રતિનિધિત્વ કરતા નથી જ્યારે ચોથો માપદંડ ’પ્રપોર્શન ઓફ અન્ડરનોરિશ્ર્ડ પોપ્યુલેશન’ માત્ર 3,000ના અત્યંત નાના કદના ઓપિનિયન પોલ પર આધારિત છે.