અનેક શ્રમિકોના ભેખડ ઘસતા અને ગેસ ગળતરથી મોત છતાં તંત્ર મૂકપ્રેક્ષક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મૂળી અને સાયલા પંથકમાં ચાલતી બેરોકટોક કોલસાની ખનિજ ચોરી હવે તંત્ર માટે પણ ફાયદારૂપી હોય તેવું નજરે પડે છે કારણ કે અહી દિન દહાડે ચાલતી કોલસાની ખનિજ ચોરી માત્ર એક જવાબદાર તંત્રને જ નથી દેખાતી ! ત્યારે આ કોલસાની ખનિજ ચોરી માત્ર પ્રકૃતિ માટે જ નહીં પરંતુ માનવ જીવન માટે પણ અભિશાપ સમાન છે. જેમાં થાનગઢ અને મૂળી પંથકમાં ચાલતા આ કોલસાની ખાણીમાં અનેક શ્રમિકોના જીવ હિમાય ગયા છે. જમીનના પેટાળમાં આશરે 200 ફૂટ જેટલી ઉંડાઈ ધરાવતી ખાણોમાં ખોદકામ કરી શ્રમિકોને કોલસા કાઢવા માટે અંદર ઉતારવામાં આવે છે. કેટલીય વખત મજૂરો અંદર કામ કરતા શ્રમિકો ભેખડ ઘસવાથી દબાઈ જાય છે ત્યારે કેટલાક વખત બંધ કરેલા કોલસાના કુવાઓ ખોલવાના લીધે અંદરથી નીકળતો ગેસ શ્રમિકોના જીવ લઈ લે છે. ત્યારે આ પ્રકારના કિસ્સામાં મોટા ભાગે શ્રમિક મોતને ભેટે છે પરંતુ અહીં શ્રમિકોની જિંદગી ખુબ જ સસ્તી છે કારણ કે જ્યારે કોઈપણ શ્રમિક મોતને ભેટે છે ત્યારે શું પ્રથમ તો કોલસાની ખાણ ચલાવતા ખનિજ માફિયો તાત્કાલિક શ્રમિકનો મૃતદેહ બહાર કાઢી તેના પરિવાર સાથે સંપર્ક કરે છે અને અહીં કહેવાતા આગેવાનો થકી મોતનો સોદો કરી શ્રમિકના પરિવારને રૂપિયા આપી તંત્રને પણ યેનકેન પ્રકારે સમજાવી દેવામાં આવે છે આખાય મામલાને અકસ્માત માફક દર્શાવી દેવાય છે પરંતુ મૃતદેહને પીએમ પણ થવા દેવામાં આવતું નથી જોકે આ આખાય ખેલમાં પોલીસ પ્રશાસન પણ જાણતું હોવા છતાં અજાણ બની મૃતકના પરિવારજનો પર કળશ ઢોળી છે. કોલસાની ગેરકાયદેસર ખાનને બચાવવા પ્રશાસન પણ મૃતદેહ પર રૂપિયાનો ખેલ ખેલે છે. જોકે આ પ્રકારે દર વર્ષે લગભગ પાંચથી વધુ શ્રમિકો મોતને ભેટે છે જેમાંથી કેટલાક શ્રમિકોના પરિવારને તો પોતાના ઘરના સભ્યની લાશ પણ નશીબ નથી થતી અને ખનિજ માફિયા બરોબર લાશને સગેવગે કરી નાખે છે. આ પ્રકારે ચાલતો કોલસાના કાળા કારોબારમાં ખેલમાં મોતનો પણ સોદો કરવો અહીં સામાન્ય પ્રથા બની ચૂકી છે.



