સિદસર ખાતે ત્રિદિવસીય બિલ્વપત્ર મહોત્સવની ઉજવણી અંતર્ગત
સૌરાષ્ટ્ર કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા, કટાર લેખક જય વસાવડાનું વ્યાખ્યાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનો 125મો પ્રાગટ્યોત્સવ તા. 23 સપ્ટે.થી તા. 1 ઓક્ટો. સુધી ત્રિદિવસીય બિલ્વપત્ર મહોત્સવ ઉમિયાધામ સિદસર ખાતે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે. જેમાં ભાદરવી પૂનમે પદયાત્રિકોનું સન્માન, ઉમાવાટિકાનું ભૂમિપૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. 30 સપ્ટેમ્બરને શનિવારના રોજ બપોરે 2 કલાકે વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં વિવિધ જિલ્લા, તાલુકા અને શહેરોની ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિના હોદ્દેદારો, સભ્યો તથા ઉમિયા પરિવાર કડવા પાટીદાર સમાજની બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ સંમલનની સાથોસાથ રાસ ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરબા મંડળો વચ્ચે સ્પર્ધા યોજાશે.તેમજ સૌરાષ્ટ્રભરના પાટીદાર શૈક્ષણિક સંકુલોની બાળાઓ વચ્ચે ગરબા સ્પર્ધા યોજાશે. આ સંમેલનમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાનું વક્તવ્ય પણ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે પાટીદાર સમાજના મહિલા અગ્રણીઓ વિજયાબેન જીવનભાઇ ગોવાણી, સોનલબેન ઉકાણી, વિજયાબેન વાંસજાળીયા, ઉમિયાધામના મહિલા ટ્રસ્ટીઓ શોભનાબેન પાણ, નીશાબેન વડાલીયા ઉપસ્થિત રહેશે.
ઉમિયા પરિવાર મહિલા સંગઠન દ્વારા મહિલાઓને રોજગારીની તક મળે તે ઉદ્દેશ્ય સાથે વિવિધ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરની મહિલા ઉત્પાદકો અને મહિલા વેપારીઓ વિવિધ ઉત્પાદનો, વસ્તુઓ જેવી કે કિચન વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, પર્સ, ગૃહ સુશોભનની વસ્તુઓ, આર્યુવેદિક દવાઓ, ગોબર પ્રોડક્ટ, ઓર્ગેનીક દવાઓ, મધ, મુખવાસ, રમકડા, વુડન આઇટમ, કોસ્મેટીક જેવી અનેકવિધ વસ્તુઓ ભાવિકો માટે પ્રદર્શન કમ વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવશે. મા ઉમિયાના 125મા પ્રાગટ્યોત્સવને ધ્યાને રાખી વિવિધ પ્રોડક્ટસના 125 સ્ટોલનું પ્રદર્શન યોજાશે.
તા. 1 ઓક્ટો.ના રોજ સિદસર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રદર્શનની મુલાકાત લઇ મહિલા ઉત્પાદકો અને વેપારીઓને પ્રોત્સાહિત કરશે. આ આયોજનને સફળ બનાવવા સિદસર મંદિરના હોદ્દેદારો, આગેવાનોના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા તાલુકાના મહિલા સંગઠન સમિતિના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.