વાસ્તુ પ્રમાણે સેલ્સ એટલે કે માર્કેટિંગ માટે ટીમને નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય ખૂણામાં બેસાડવી જોઈએ, કેમકે વાયવ્ય ખૂણો એર એલિમેન્ટ (વાયુતત્ત્વ) સાથે સંકળાયેલો હોવાથી અહીં બેસવાથી લોકો સતત ગતિશીલ રહેશે
છેલ્લાં થોડાં સમયથી વાચક મિત્રોના પ્રશ્ર્નોના જવાબ આપવાના બાકી રહી ગયા હતા, તો આજના અંકમાં અગત્યના પ્રશ્ર્નોના જવાબ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ઘણાં વાચક મિત્રોના પ્રશ્ર્નોના જવાબ તેમની સાઈટ વિઝીટ કર્યા વગર આપવા સંભવ નથી. તેમને વિનંતી કે તેઓ પોતાના નજીકના વાસ્તુ સલાહકારનો સંપર્ક કરે.
- Advertisement -
પ્રશ્ર્ન 1: હું એક મકાનની અંદર રહું છું, જે મકાનનો પ્લોટ ‘ઝ’ આકારનો છે. વાસ્તુ પ્રમાણે શું કરવું યોગ્ય રહેશે?
ઉત્તર: થોડા દસકાઓ પહેલાં શહેરોની અંદર જે કંઈ પણ સોસાયટી બની તેમાં કોઈ કોઈ જગ્યાએ આ પ્રકારના પ્લોટ કે બાંધકામ જોવા મળે છે, જેની અંદર આજુબાજુના નાના મકાનો વચ્ચે પ્રાઈવેટ રોડ ડેવલપ કરી પાછળના મકાનને રસ્તો આપવામાં આવેલો હોય છે અને જેના પરિણામે આ પ્રકારના પ્લોટ કે મકાનો નિર્માણ પામે છે જેની અંદર કોઈને કોઈ દિશા કે ખૂણો યા તો વધેલા હોય છે કે પછી કટ કે મિસિંગ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે વાસ્તુની અંદર ખૂણાઓનું ખૂબ જ મહત્ત્વ છે. ખૂણાઓ કે જ્યાંથી ઊર્જા પૂરા ઘર કે પ્લોટની અંદર પ્રસરતી હોય છે. હવે આપના પ્લોટની અંદર ઈશાન ખૂણો અને અગ્નિ ખૂણો બંને કટ થયેલા એટલે કે મિસિંગ છે અને પૂર્વ દિશાનું આપનું ઘર છે. આગળના અંકમાં ઈશાન ખૂણા વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કે ઈશાન ખૂણો કપાયેલો હોય ત્યાં બાળકોને લગતાં પ્રશ્ર્નો આવે છે. હવે આપની મિલ્કતમાં અગ્નિ ખૂણો પણ મિસિંગ છે જે સ્ત્રી સંબંધી ચિંતા સૂચવે છે. આપના પ્રશ્ર્નના સમાધાન માટે આપની જે પૂર્વ દિશા વધેલી છે જ્યાં આપનો મુખ્ય દરવાજો છે ત્યાંથી તે દરવાજો ખસેડીને અંદરની બાજુ ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણે નવો દરવાજો બનાવવો જેથી કરીને આપનો પ્લોટ ‘ઝ’ આકારમાંથી રેક્ટેંગલ એટલે કે લંબચોરસ બની જશે.
પ્રશ્ર્ન 2: મારે ઘરના મધ્ય ભાગની અંદર હિંચકો રાખવો છે, તો રાખી શકાય?
ઉત્તર: વાસ્તુ પ્રમાણે ઘરની અંદર હિંચકો રાખી શકાય છે. તેમાં પણ જો વુડન એટલે કે લાકડાનો હિંચકો રાખવામાં આવે તો તે સૌથી સારૂં રહેશે. હિંચકો રાખવા માટેની યોગ્ય દિશા વાયવ્ય ખૂણો છે.
આપણે સૌ જાણીએ છીએ તે મુજબ બ્રહ્મસ્થાનને હમેશાં ખુલ્લું અને ખાલી રાખવું જોઈએ તથા બ્રહ્મસ્થાનની અંદર કોઈ પણ અવરોધરૂપ વસ્તુઓની ગોઠવણી કરવી નહીં.
પ્રશ્ર્ન 3: મારે બાલ્કની માટે ફર્નીચરની ખરીદી કરવાની છે, તો ક્યા પ્રકારનું ફર્નીચર ખરીદી શકાય?
ઉત્તર: વાસ્તુ પ્રમાણે ઘરની અંદર બાલ્કની પૂર્વ દિશા, ઉત્તર દિશા કે ઈશાન ખૂણાની અંદર હોવી જોઈએ. જો આપની બાલ્કની પૂર્વ, ઉત્તર કે ઈશાન હોય તો ત્યાં હલકા વજનના ફર્નીચરની ગોઠવણી કરવી, જેમાં પ્લાન્ટ્સ એટલે કે કુંડા પણ પ્લાસ્ટિકના લાઈટવેઈટ હોય તેવા ઉપયોગમાં લેવા તથા અન્ય ફર્નીચર ઓછા વજનવાળું ઉપયોગમાં લેવું. પરંતુ જો આપના ઘરની બાલ્કની પશ્ર્ચિમ કે દક્ષિણ દિશામાં હોય તો ત્યાં વજનદાર ફર્નીચરની પસંદગી કરવી. બધા ઝાડ-પાન અને છોડ માટીના કુંડામાં રાખવા અને તે ખૂણો ભારે વજનવાળો રાખવો વધારે યોગ્ય રહેશે.
- Advertisement -
પ્રશ્ર્ન 4: અમારે ઓફિસની અંદર માર્કેટિંગ ટીમનું પર્ફોમન્સ સંતોષજનક નથી. સેલ્સ ટીમ પોતાના ટાર્ગેટ પણ અચિવ નથી કરી શકતી અને સેલ્સ પછી તેમની રિકવરી પણ મંદ છે તો વાસ્તુ મુજબ તેમની સીટીંગ એરેન્જમેન્ટ કેવી રીતે કરવી?
ઉત્તર: વાસ્તુ પ્રમાણે સેલ્સ એટલે કે માર્કેટિંગ માટે ટીમને નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય ખૂણામાં (ઉત્તર અને પશ્ર્ચિમ દિશા વચ્ચેનો ખૂણો) બેસાડવી જોઈએ, કેમકે વાયવ્ય ખૂણો એર એલિમેન્ટ (વાયુતત્ત્વ) સાથે સંકળાયેલો હોવાથી અહીં બેસવાથી લોકો સતત ગતિશીલ રહેશે. કામ કરતી વખતે તેમનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તેનું ખાસ ધ્યાન રાખજો.આ ઉપરાંત તૈયાર માલની બધી ફાઈલો, એક્સપોર્ટને લગતી બધી ફાઈલો, પૈસાની રિકવરી માટેની બધા પેન્ડિંગ બીલ્સ કે લીટીગેશનને લગતા બધા પેપર્સ પણ ઓફિસના વાયવ્ય ખૂણામાં શિફ્ટ કરવા જેથી કરીને તે બધા કામોની અંદર પ્રગતિ થઈ ઝડપથી પૂર્ણ થશે.
પ્રશ્ર્ન 5: ઓફીસ બિલ્ડિંગની અંદર કાર પાર્કિંગ ક્યા ખૂણામાં બનાવી શકાય?
ઉત્તર: વાસ્તુ પ્રમાણે વાહનો અને કાર પાર્કિંગ માટેનો સૌથી શ્રેષ્ઠ ખૂણો વાયવ્ય છે. જો વાયવ્ય ખૂણામાં આપનું પાર્કિંગ થઈ શકે તેમ ન હોય તો બીજા વિકલ્પ તરીકે આપ અગ્નિ ખૂણામાં કાર પાર્ક કરી શકો છે. પરંતુ ઘણાં અનુભવોમાં જોવામાં આવ્યું છે કે અગ્નિ ખૂણામાં લાંબો સમય સુધી પાર્ક કરેલા વાહનમાં મેન્ટેનન્સના પ્રશ્ર્નો આવતાં હોય છે. ઈશાન ખૂણામાં કે નૈઋત્ય ખૂણાની અંદર પાર્કિંગ એરિયા બનાવવાનો ટાળવો જોઈએ.
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.