નવું રેસ્ટોરન્ટ બનાવતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો
સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ
- Advertisement -
વાસ્તુ મુજબ રેસ્ટોરન્ટ ડિઝાઈન કરતી વખતે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી
આજકાલનાં સમયમાં રેસ્ટોરન્ટના વ્યવસાયની ખૂબ જ ડિમાન્ડ છે. ઘણાં ખાણી-પીણીના શોખીન લોકો પણ આ વ્યવસાયમાં આવતાં હોય છે. વાસ્તવિકતા એ છે કે શહેરોમાં જેટલા નવા રેસ્ટોરન્ટ દર મહિને ખૂલે છે, તેટલા જ બંધ થતાં હોય છે. વાસ્તુનો ખૂબ જ મોટો પ્રભાવ ગ્રાહકોને આકર્ષવામાં અને ડાઈનીંગ એરિયામાં ઊર્જાનું સંતુલન જાળવવામાં જોવા મળે છે. ઘણી જગ્યાએ આપણે જમતી વખતે અનુભવ્યું હશે કે જમવાનું સારૂં હોવા છતાં જગ્યામાં સારી એનર્જી અનુભવતા નથી કે જમવાની મજા આવે તેવું વાતાવરણ નથી હોતું અને તેથી જ લોકો આવી જગ્યાએ જમવા જવાનું ટાળે છે. આપણે સમજીએ કે વાસ્તુ મુજબ રેસ્ટોરન્ટ ડિઝાઈન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. રેસ્ટોરાંમાં સૌથી મહત્ત્વનો ડિપાર્ટમેન્ટ કિચન છે. વાસ્તુ મુજબ રેસ્ટોરન્ટમાં રસોડું અગ્નિ ખૂણામાં બનાવવું જોઈએ તથા મુખ્ય ચુલાઓ અને તંદૂર પર કામ કરતી વખતે મુખ્ય રસોઈયા (શેફ)નું મુખ પૂર્વ દિશા તરફ રહે એમ ગોઠવણી કરવી. એ વાતનું ધ્યાન રાખવું કે મુખ્ય શેફનું મુખ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. જો અગ્નિ ખૂણામાં રસોડું બનાવવું શક્ય ન હોય તો બીજા વિકલ્પ તરીકે વાયવ્ય ખૂણામાં રસોડું બનાવી શકાય.
1.રેસ્ટોરન્ટમાં મુખ્ય દરવાજાનું મહત્ત્વ કિચન જેટલું જ છે. વાસ્તુ મુજબ યોગ્ય પદમાં મુખ્ય એન્ટ્રી બનાવવી.
2. ટોયલેટ બાથરૂમ વાયવ્ય ખૂણામાં કે પશ્ર્ચિમ દિશામાં બનાવવા.
3. ઈલેકટ્રીક મીટર, ગીઝર, જનરેટર જેવા વિદ્યુત સાથે સંકળાયેલા ઉપકરણો અગ્નિ ખૂણામાં રાખવા.
4. રેસ્ટોરન્ટમાં માલિક અથવા મેનેજર માટેની નૈઋત્ય ખૂણામાં ઓફિસ બનાવવી.
5. હાલમાં હાઈવે પર ખુલ્લી જગ્યામાં રેસ્ટોરન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આવી જગ્યાઓમાં પૂર્વ અને ઉત્તર દિશા તરફ વધારે ખુલ્લી જગ્યા રાખવી. બિલ્ડિંગનું બાંધકામ પશ્ર્ચિમ કે દક્ષિણ દિશામાં કરવું.
6. રેસ્ટોરન્ટમાં પાણીનો વપરાશ પણ ઘણો રહેતો હોય છે. પાણીનો બોર કે અંડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં બનાવવી.
7. ઓવરહેડ વોટર ટેન્ક નૈઋત્ય ખૂણામાં બનાવવી.
8. રેસ્ટોરન્ટમાં કેશ કાઉન્ટરનું ડ્રોઅર ઉત્તર દિશા તરફ ખૂલે તેમ કેશિયરના ટેબલની ગોઠવણી કરવી.
9. માર્કેટિંગ મેનેજર કે સેલ્સ ટીમની કેબીન કે ઓફિસ વાયવ્ય ખૂણામાં બનાવવી.
10. જો રેસ્ટોરન્ટ વિશાળ જગ્યામાં હોય તો ઉત્તર દિશામાં એક વોટર ફાઉન્ટન ગોઠવવો.
11. પૂર્વ અને ઉત્તર દિશામાં કાંટા વગરના નાના ફૂલ છોડ વાવવા.
12. રેસ્ટોરન્ટના પ્લોટનો અગ્નિ ખૂણો કટ ન હોવો જોઈએ તેનો ખાસ ખ્યાલ રાખવો.
13. રોજબરોજમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી, દૂધ, દહીં વગેરે વસ્તુઓ વાયવ્ય ખૂણામાં રાખવા.
14. ડાઈનીંગ માટેના ટેબલ ચોરસ કે લંબચોરસ બનાવવા. પરંતુ જો એરપોર્ટ, રેલવે સ્ટેશન કે હાઈવે પર જ્યાં ઝડપથી જમીને નીકળી જવાનું હોય ત્યાં રાઉન્ડ શેપ (ગોળ) આકારના ડાઈનીંગ ટેબલ બનાવી શકાય.
15. રેસ્ટોરન્ટ કે હોટલમાં સ્ટાફ માટે રહેવાના રૂમ બનાવવાના હોય તો તે જગ્યાના અગ્નિ કે વાયવ્ય ખૂણામાં બનાવી શકાય.
16. કિચનમાં પાણીને લગતી પ્રવૃત્તિ ઈશાન કે ઉત્તર દિશામાં કરવી. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે નકામો કચરો કે એંઠવાડ ઈશાન ખૂણામાં ન હોવા જોઈએ.
17. રેસ્ટોરન્ટનો ઈશાન ખૂણો સાફ ચોખ્ખો સ્વચ્છ રાખવો.
18. જો રેસ્ટોરન્ટમાં ખુલ્લી જગ્યા હોય તો બાળકો માટે રમતગમતની વ્યવસ્થા પૂર્વ દિશામાં કરી શકાય.
19. વધારે ઊંચાઈ ધરાવતાં વૃક્ષો જેવા કે આસોપાલવ, લીમડો, સવન વગેરે જગ્યાની દક્ષિણ અને પશ્ર્ચિમ દિશામાં વાવવા.
20. આગલા રંગ (કલર) વિશેના લેખમાં જણાવ્યા મુજબ સફેદ, બ્રાઉન કે લાલ રંગનો ઉપયોગ કલર થીમમાં કરવો.
21. ડાઈનીંગ, કિચન એરિયાના ફ્લોરિંગમાં કાળા રંગનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં.
22. ધાબા કે હાઈવે પરના રેસ્ટોરન્ટમાં જ્યાં પાકી સીલીંગ હોતી નથી અને પતરાં કે ઝુંપડી સ્ટાઈલ સીલીંગ હોય તો તેનો ઢાળ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવો.
23. રેસ્ટોરન્ટ બિલ્ડિંગનું ફ્લોરિંગ લેવલ રોડ (રસ્તા) કરતાં ઊંચું હોવું જોઈએ, એટલે કે ખાડામાં ન હોવું જોઈએ.
24. જો નવું રેસ્ટોરન્ટ બનાવવાનું હોય તો તેના માટે જમીનનો પ્લોટ ચોરસ અથવા લંબચોરસ હોવો જોઈએ.
25. જો રેસ્ટોરન્ટ મલ્ટી સ્ટોરી બાંધકામ ધરાવતું હોય તો પ્રથમ માળે જવા માટે સીડી દક્ષિણ દિશામાં ગોઠવવી.
26. રેસ્ટોરન્ટની સાથે પાર્ટી માટે ઓપન લોન કે પાર્ટી પ્લોટ બનાવવાનો હોય તો પ્લોટનો ઉત્તર અને પૂર્વ દિશામાં બનાવવો.
27. રેસ્ટોરન્ટમાં કિચન નૈઋત્ય ખૂણામાં બનાવવું નહીં.
28. રેસ્ટોરન્ટમાં ટોયલેટ બાથરૂમ નૈઋત્ય ખૂણામાં કે ઈશાન ખૂણામાં બનાવવા નહીં.
29. રેસ્ટોરન્ટમાં ડાઈનીંગ હોલમાં ગ્રાહકોના હાથ ધોવા માટે વોશબેસિન પૂર્વ અને ઉત્તરમાં રાખી શકાય છે પણ ખાસ ધ્યાન રાખવું કે ત્યાં સ્વચ્છતા હંમેશા રહે.
30. રેસ્ટોરન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા વાયવ્ય પૂર્વ અને ઉત્તરમાં રાખવી.
31. રેસ્ટોરન્ટમાં વોચમેન રૂમ વાયવ્ય અથવા અગ્નિ ખૂણામાં બનાવવી.
32. રેસ્ટોરન્ટમાં વેઈટિંગ એરિયા ઉત્તર અથવા પૂર્વમાં બનાવી શકાય.