‘અકિલા’ના મોભી કિરીટકાકાને રાષ્ટ્રપતિનું ખાસ આમંત્રણ
જયારે પીએમ મોદીએ આત્મીયતાથી ગુજરાતીમાં પુછયું : રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા આયોજીત ‘એટ હોમ’ રિસેપ્શનમાં સહભાગી થવાનું ‘અકિલા’ને સૌભાગ્ય પ્રાપ્ત થયું: ઇન્ડોનેશીયાના રાષ્ટ્રપતિ પીએમ મોદી અને દેશના તમામ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગઇકાલે દેશભરમાં 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ અને દેશભકિતના રંગે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં “એટ હોમ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશના વીઆઇપી અતીથીઓનું સ્વાગત કર્યુ હતું. યજમાનપદ નિભાવ્યું હતું. “એટ હોમ” રિસેપ્શન દક્ષિણ ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી હતી. આ યાદગાર કાર્યક્રમમાં આ પ્રદેશની સમૃધ્ધ કલા, સંગીત, કાપડ, રાંધણકક્ષાનો અનુભવ કરવા દેશભર માંથી પસંદગીના દરેક ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેઓ ઇન્ડોનેશીયાના રાષ્ટ્રપતિ, પીએમ નરેન્દ્રભાઇ મોદી, કેબીનેટના પ્રધાનો સહિત રાજકીય હસ્તીઓ પણ ખાસ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં સહભાગી થવાનું “અકિલા” ને પણ ખાસ આમંત્રણ પ્રાપ્ત થયું હતુ અને “અકિલા” પ્રતિનીધી તરીકે મોભી અને મેનેજીંગ તંત્રી કિરીટભાઇ ગણાત્રાએ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન માં યોજાયેલ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમ્યાન વડાપ્રધાન મોદી કે જેઓ કિરીટભાઇ ગણાત્રાના વર્ષો જુના પરમ મિત્ર છે તેમને મળવાનું અને પ્રજાસતાક પર્વની શુભેચ્છા અર્પણ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાને દેશભર માંથી આવેલ વિશેષ મહેમાનોનું અભિવાદન કર્યુ હતું. જેમાં “અકિલા” મેનેજીંગ તંત્રી કિરીટભાઇ ગણાત્રાનું પણ અભિવાદન કર્યુ હતું. જે દરમ્યાન વડાપ્રધાને કિરીટભાઇને ગુજરાતી ભાષામાં જ પુછયું હતું કે કેમછો કિરીટભાઇ …કેમ બધુ બરાબર ચાલે છે ને…! વડાપ્રધાને આત્મિયતાથી “અકિલા” ખબર અંતર પુછતા “અકિલા” ગૌરવની લાગણી અનુભવે છે.
અત્રે એ નોંધનીય છે કે છેલ્લા પાંચ દાયકાઓથી સવારે ચા અને સાંજે “અકિલા” રૂપકડા સુત્ર સાથે આ સાંધ્ય દૈનિક લોક હૃદયના શિખર પર વટથી બીરાજમાન છે. વાંચકોના અભુતપુર્વ પ્રેમને કારણે “અકિલા” માત્ર દેશ-પ્રદેશ પુરતુ જ સીમિત નથી રહયું પણ વિદેશોમાં પણ પોતાની લોકપ્રીયતાના ડંકા વગાડી રહયું છે. “અકિલા” પોતાના વિશાળ વાંચકો ના પ્રેમ થકી સફળતાની ગાડી પર પુરપાટ દોડી રહયું છે. અત્રે એ પણ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જયારે પહેલી ટર્મનો કાર્યભાર સંભાળ્યો ત્યારે પણ તેમણે પોતાના નિવાસે કિરીટભાઇ ગણાત્રાને આમંત્રિત કરી “અકિલા” શોભા વધારી હતી. એટલું જ નહિ રાજકોટના રેસકોર્ષમાં યોજાયેલી એક વિશાળ સભામાં પણ તેમણે “અકિલા” અને કિરીટભાઇ ગણાત્રાને યાદ કરી “અકિલા” સાથે આત્મીય સબંધો હોવાનું પ્રતિયાદીત કર્યુ હતું તેમણે અનેક વખત સૌરાષ્ટ્રના રાજકારણ અંગે કિરીટભાઇ ગણાત્રા પાસેથી તટસ્થ અભિપ્રાય પણ પ્રાપ્ત કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ જે મિત્રતા નિભાવી છે તે સમગ્ર “અકિલા” પરિવાર માટે આદર અને ગૌરવની બાબત છે. “અકિલા” પરિવાર પણ વડાપ્રધાનનો આજીવન ઋણી રહેશે.