મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂમ00 ઘર વેરા આકારણી પેટે લેવામાં આવશે.
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની હાલની ઘર વેરા આકારણીના સમયગાળાથી આગામી 4 વર્ષ માટે વાર્ષિક 200 રૂપિયાના આ આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે.
કોઈપણ ગ્રામ પંચાયત આ વાર્ષિક 200 રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર સમીક્ષા હાથ ધરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓના લાભાર્થીઓની આર્થિક સ્થિતિ નબળી હોય છે અને આવા લાભાર્થીઓને પોતીકા આવાસ બાંધકામ માટે પણ સરકાર આર્થિક સહાય આપીને ‘ઘરના ઘર’નું સપનું સાકાર કરવા સરકાર પડખે ઊભી રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે એક સમાન એટલે કે, વાર્ષિક રૂ.200ના દરે ઘર વેરા આકારણી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘર વેરા આકારણીની રકમમાં મોટી રાહત મળશે. રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિકાસ વિભાગે આ નિર્ણય અંગેનો ઠરાવ પણ જારી કર્યો છે.