કોલ્ડપ્લે જોવા આવતાં લોકો છાપરાવાળા રૂમમાં રહેવા પણ તૈયાર
15000 રૂમ બૂક, ભાડાં બેથી ત્રણ ગણા વધી 50 હજાર સુધી પહોંચ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ વિશ્ર્વપ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેને પગલે ગુજરાતનાં વિવિધ શહેર-જિલ્લા તથા દેશભરમાંથી મ્યુઝિક લવર્સ આવવાના છે. આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ-પાર્કિંગની સાથે સાથે હોટેલ રૂમ બુક કરી લીધા છે. જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફુલ થઈ ગયા છે. આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરાવાળાં ઘરોમાં પણ કોલ્ડપ્લે પ્રેમીઓ રૂમ બુક કરી રહ્યા છે.
આ કોન્સર્ટમાં શો દીઠ 1.25 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની હોટેલમાં રૂમ મળી રહ્યા નથી. કોલ્ડપ્લેને કારણે કેટલીક મોટી હોટલોમાં સામાન્ય દિવસો કરતાં ભાડાંમાં બેથી ત્રણ ગણો થયો છે. જ્યારે કેટલીક હોટલોમાં 1 થી 2 ટકા જેટલા વધારો થયો છે. હાલ કેટલીક હોટલના રૂમ ભાડાં તો 40થી 50 હજાર સુધી પહોંચી ગયા છે.
આ અંગે ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આટલા સારા કાર્યક્રમો આપણે ત્યાં થઈ રહ્યાં હોવાથી હોટલ અને ટુરિઝમના બિઝનેસને વેગ મળી રહ્યો છે. હાલમાં લગ્ન સિઝન પુરજોશમાં ચાલી રહી છે, તેની સાથે જ અમદાવાદમાં કોલ્ડપ્લેનું પણ આયોજન થઈ રહ્યું છે, જેના કારણે ઓલમોસ્ટ બધી જ હોટલો ફુલ થઈ ગઈ છે. જેમ જેમ કોલ્ડપ્લેની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ક્વાયરીઓમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
હોટલો હાઉસફુલ થઈ જતા કેટલાક લોકો સ્ટેડિયમની સામેના વિસ્તારમાં આવેલા ઘરમાં નાઇટ સ્ટે માટે ઇન્કવાયરી કરી રહ્યા છે. જોકે તેમાં કેટલાંક ઘર છાપરાવાળાં તો કેટલાંક પાકાં ઘરો પણ છે. કેટલાક લોકોએ તો એડવાન્સ બુકિંગ કરીને ટોકન ફી પણ ચૂકવી દીધી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે 400થી 500 નાનાં મોટાં ઘર આવેલાં છે. જ્યાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ-2023 ફાઇનલ સમયે પણ આસપાસના રહીશોએ રૂમ ભાડે આપ્યા હતા. જેને કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમથી નજીક જ રહેવાની સુવિધા મળે છે અને આસપાસના લોકો નાના-મોટા ધંધા દ્વારા કમાણી પણ કરી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે ગેટ નંબર-1 સામે જ ભાડેથી રૂમ મળી રહે છે. જેનું ભાડું રૂ.2,000 થી લઈને 5000 સુધીનું રહે છે તથા કેટલીક વખત થોડું દૂર ઘર હોય તો તેનાથી પણ ઓછા ભાવમાં ઘર અથવા તો રૂમ મળી રહે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે રહેતા એક બહેને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અનેક લોકો પાસે તેમની જરૂરિયાત કરતાં વધુ રૂમ છે. જ્યારે પણ સ્ટેડિયમમાં મોટા કાર્યક્રમ હોય ત્યારે અમે રૂમ ભાડે આપીએ છીએ. જેનું ઘર બે-ત્રણ માળનું હોય તો એક ફ્લોર ભાડે આપી દે છે. જેમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પણ હોય છે. જ્યારે કેટલાંક ઘરમાં ફક્ત એક રૂમ ભાડે આપવામાં આવે તો તે રૂમમાં બેડ, સોફા કે વોશરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે છે. જેણે પણ રહેવા માટે બુકિંગ કરાવ્યું હોય તેની પાસેથી આધાર કાર્ડ અથવા તો આઈડી પ્રૂફ ફરજિયાત લેવામાં આવે છે.
વડોદરાની હોટલોમાં પણ થઈ રહ્યું છે બુકિંગ
કેટલાક ટ્રાવેલ એજન્ટોએ વડોદરાના પેકેજ બનાવ્યાં છે, કેમ કે આ દિવસ દરમિયાન ફ્લાઈટના ભાવ પણ વધુ છે. જેથી વડોદરામાં ચારેય બાજુથી ફ્લાઈટ આવતી હોવાથી લોકો માટે ત્યાં જ સુવિધા કરવામાં આવી છે. આ માટે વડોદરાની હોટલોમાં ઉતારો આપવામાં આવી રહ્યો છે. જ્યારે બાય રોડ દ્વારા કાર્યક્રમમાં ટેક્સીની સુવિધા કરી આપવામાં આવી છે. જેથી ઓવરઓલ તેમાં પણ તેમને ફાયદો થતો હોય છે. જે લોકો કોલ્ડપ્લે જોવા આવવાના છે અને બુકિંગ કરાવ્યાં છે તેમને અમે નજીકના ફરવાલાયક સ્થળો જેવા કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, અડાલજની વાવનું પણ માર્ગદર્શન અને પેકેજિંગની સુવિધા પણ કરી રહ્યા છીએ.