‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટનાનો 14 વર્ષે પર્દાફાશ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અજય દેવગણની દૃશ્ય ફિલ્મ જેવા અમદાવાદના મિસ્ટ્રી બનેલા મર્ડર કેસનો 14 વર્ષ બાદ ભેદ ઉકેલાયો છે. આજથી 14 વર્ષ પહેલાં વેજલપુરની હોટલના મેનેજરની હત્યા કર્યા બાદ તેની લાશને કિચનમાં દાટી સફેદ સિમેન્ટ અને ઈંટોથી ચણી દેવામાં આવી હતી. વણ ઉકેલાયા હત્યા કેસનો ભેદ ઉકેલવાની ચેલેન્જ ક્રાઇમ બ્રાંચે લીધી હતી અને સફળતાં હાથે લાગી છે. આ કેસમાં પોતાની આરોપીની ક્રાઇમ બ્રાંચે મહેસાણાથી ધરપકડ કરી છે. મેનેજરની હત્યા કર્યા બાદ હત્યારાએ તેના નામ અને ઓળખ પણ બદલી નાખ્યાં હતા. રાજસ્થાનમાં રહેવા માટે જતો રહ્યો હતો, જ્યા તેણે લગ્ન પણ કરી લીધા હતા.
અત્યંત ક્રુરતાપૂર્વ કરાયેલી આ હત્યાની હકીકત એવી છે કે, આજથી 14 વર્ષ પહેલાં મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની એવા 34 વર્ષના શિવનાયારણ ઉર્ફે મનીષ ગુપ્તા ત્રણેક મહિનાથી સેટેલાઈટની પંજરી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. હોટલ મેનેજમેન્ટ તરફથી તેમને વેજલપુર રામનગરના બી બ્લોકમાં આવેલો 206 નંબરનો ફલેટ રહેવા માટે આપ્યો હતો. તેમની સાથે રૂમમાં, વેઈટર જીતેન્દ્ર રબારી અને કેશીયર હરિસિંઘ પણ રહેતા હતા. 30મી જૂન, 2010ની મોડી રાત્રે 3.30 વાગ્યે હરિસિંઘ ફલેટ પર પહોંચ્યો, ત્યારે દરવાજો બંધ હતો. તેની પાસે પણ એક ચાવી રહેતી હોવાથી તેણે દરવાજો ખોલ્યો હતો, પરંતુ ફલેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી તે ગભરાયો હતો. તે કિચનમાં જોયું તો પ્લેટફોર્મ પર લોહીના ડાઘા હતા. હરિસિંઘે પ્લેટફોર્મની નીચેના ભાગે જોયું ત્યાં માત્ર અંડરવેર પહેરેલી હાલતમાં ગુપ્તાની લાશ હતી. તેનું માથુ કિચનના નીચે ભાગે વ્હાઈટ સિમેન્ટ અને ઈંટોથી ચણી નાંખવામાં આવ્યું હતું અને બાકીના લાશ પર ધાબળો ઢાંકી દેવામાં આવ્યો હતો. હરિસિંઘ ગભરાઈ ગયો હતો અને તેણે તુરંત જ હોટલના માલિકને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 30મી જૂને 11 વાગ્યે જીતેન્દ્ર રબારી ફલેટ પર હતો અને ત્યારબાદ તે, ગુપ્તાની હોન્ડા લઈને ભાગી ગયો હતો.જીતેન્દ્ર રબારી મૂળ મહેસાણા નજીકના મોઢેરાનો વતની છે. તે અગાઉ પાંજરાપોળમાં નોકરી કરતો હતો અને બાદમાં હોટલ લાઈનમાં વેઈટર તરીકે નોકરી કરવા આવ્યો હતો. જીતેન્દ્ર રબારીએ મનીષ ગુપ્તાની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ હતું અને તેને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમે મહેસાણા રવાના કરવામાં આવી હતી. સમય જતા મનીષ ગુપ્તા મર્ડર કેસ એક મિસ્ટ્રી બનીને રહી ગયો હતો અને તેની ફાઇલ દફતરે થઇ ગઇ હતી.