-અનેક મીટર ઉંચા બરફના મોજા ઉછળ્યા, આકાશ હિમથી ઢંકાયુ
કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે બાલતાલ ક્ષેત્રમાં બરફનું જોરદાર તોફાન સર્જાયુ હતું. અનેક મીટર ઉંચા બરફના મોજા ઉછળ્યાના દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર આકાશ બરફથી ઢંકાયાની સ્થિતિ સર્જાઈ હતી. બે લોકોના મોત નિપજયા હતા. બીજી તરફ રાજયમાં વધુ હિમવર્ષાની આગાહી હવામાન વિભાગે કરી છે
- Advertisement -
અને ઉતર ભારતમાં અનેક સ્થળોએ તાપમાન માઈનસમાં સરકવા સાથે ધ્રુજાવતી ઠંડી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કાશ્મીરના ગાંદરબાલ જીલ્લાનના બાલતાલ નજીક બરફનું ભયાનક તોફાન ત્રાટકયુ હતું અને તે દરમ્યાન અનેક મીટર ઉંચો બરફ આકાશ તરફ ઉડયો હતો. આસપાસના અનેકભાગો તેની ઝપટમાં ગયા હતા. થોડી ક્ષણોમાં જ આકાશ બરફથી ઢંકાઈ ગયુ હતું. આસપાસના દુર-દુરના વિસ્તારોમાં બરફ ખાબકયો હતો. બાલતાલ તથા સોનમાર્ગના જોઝીલા ક્ષેત્રમાં બરફનું આ તોફાન ત્રાટકયુ હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ જ બરફના તોફાનની આશંકા દર્શાવવામાં આવી હતી.
અને કેટલાંક ભાગોમાં અવરજવર પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ ક્ષેત્રમાં વસવાટ ન હોવાથી જાનમાલને કોઈ મોટુ નુકશાન ન હતું છતાં હિમવર્ષાથી બે લોકોના મોત નિપજયાના રિપોર્ટ છે. બીજી તરફ હવામાન વિભાગે ઉતર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર-ગંભીર બનવાની ચેતવણી આપી છે. સોમથી બુધવારમાં દિલ્હીમાં તાપમાન એક ડીગ્રી તથા રાજસ્થાનના કેટલાંક ભાગોમાં માઈનસમાં ઉતરી જવાની શકયતા છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનો પ્રભાવ ખત્મ થતાની સાથે જ આવતીકાલથી ઠંડી બોકાસો બોલાવશે અને 19 જાન્યુઆરી સુધી કોલ્ડવેવનો આ દોર જારી રહેશે.
- Advertisement -
ખાનગી હવામાન એજન્સી દ્વારા સોમથી બુધ કોલ્ડવેવ રહેવાની તથા ઉતર ભારતના મેદાની ભાગોમાં પણ તાપમાન માઈનસમાં સરકી જવાની શકયતા છે. હવામાન વિભાગે કાલથી સમગ્ર ઉતર-પશ્ર્ચીમ ભારતમાં તાપમાન 3થી5 ડીગ્રી ઘટવાની શકયતા દર્શાવી છે. 15થી17 જાન્યુઆરીમાં ઉતરીય રાજસ્થાનના અમુક ભાગોમાં ગંભીર શીતલહેરની સ્થિતિ સર્જાશે. જયારે હિમાચલપ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, હરિયાણા સહિતના રાજયોમાં પણ પ્રકોપ સર્જાશે. દરમ્યાન ઉતર ભારતમાં ગાઢ ધુમ્મસનો કહેર જારી રહેવાને પગલે તેજ સહિતની સંખ્યાબંધ ટ્રેનો રદ થઈ હતી અને વિમાનોનું સમયપત્રક પણ વેરવિખેર હતું.